ટ્રેનમાં સામાન ચોરી થશે, તો જવાબદાર રેલવે હશે અને વળતર પણ આપવુ પડશે: કન્ઝ્યુમર કોર્ટે
-ટ્રેનના આરક્ષિત ડબ્બામાં મુસાફરનો સામાન ચોરાઈ જાય છે તો રેલવેએ પેસેન્જરના ચોરાયેલા સામાનની ભરપાઈ કરવી પડશે
નવી દિલ્હી,તા. 11 એપ્રિલ 2023, મંગળવાર
ચંદીગઢ સ્ટેટ કન્ઝ્યુમર કમીશને ટ્રેન મુસાફરોના પક્ષમાં મહત્વનો નિર્ણય આપ્યો છે. કમિશને કહ્યું છે કે, જો ટ્રેનના આરક્ષિત ડબ્બામાં મુસાફરનો સામાન ચોરાઈ જાય છે તો રેલવેએ પેસેન્જરના ચોરાયેલા સામાનની ભરપાઈ કરવી પડશે.
ટ્રેનમાં સ્નેચિંગની ઘટના માટે રેલવેને જવાબદાર ઠેરવતા રેલવેને પેસેન્જરને લગેજની કિંમત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે રેલવેને વળતર તરીકે 50 હજાર રૂપિયા પણ આપવા પડશે.
કન્ઝ્યુમર કોર્ટે આ આદેશ ચંદીગઢના નીવાસી એક સેક્ટર-28માં રહેતા રામબીરની ફરિયાદ પર આપ્યો છે. અંબાલા રેલવે સ્ટેશન પર રામબીરની પત્નીનું પર્સ એક વ્યક્તિએ છીનવી લીધું હતું. પર્સમાં પૈસા અને કીમતી ચીજવસ્તુઓ હતી. રામબીર તેના પરિવાર સાથે ચંદીગઢથી દિલ્હી જઈ રહ્યો હતો. રામબીરે અગાઉ જિલ્લા ગ્રાહક અદાલતમાં રેલવે વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પરંતુ, ત્યાં તેમનો કેસ ફગાવી દેવામાં આવ્યો હતો. રામબીરે જિલ્લા ગ્રાહક અદાલતના આદેશ સામે રાજ્ય ગ્રાહક પંચમાં અપીલ કરી હતી.
આરક્ષિત કમ્પાર્ટમેન્ટમાં શંકાસ્પદ લોકો ફરતા હતા
રામબીરે જણાવ્યું કે, તેણે રેલવેની વેબસાઈટ પરથી ગોવા સંપર્ક ક્રાંતિ ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી. 5 નવેમ્બર 2018ના રોજ, જ્યારે ટ્રેન ચંદીગઢથી નીકળી ત્યારે તેણે કેટલાક શંકાસ્પદ લોકોને રિઝર્વ કોચમાં ફરતા જોયા. તેણે TTEને આની જાણ કરી હતી. પરંતુ, TTEએ તેમની વાત પર ધ્યાન આપ્યું નહી. અંબાલા રેલ્વે સ્ટેશન આવતાની સાથે જ એક શકમંદ તેની પત્નીનું પર્સ છીનવીને ચાલતી ટ્રેનમાંથી કૂદી ગયો હતો.
રેલવેએ 1.08 લાખ રૂપિયા ચૂકવવા પડશે
કન્ઝ્યુમર પંચે આ મામલે રેલવેને દોષી ઠેરવતા કહ્યું કે, ટ્રેનમાં મુસાફરો અને માલસામાનની સુરક્ષાની જવાબદારી રેલવેની છે. કમિશન રેલવેને રામબીરને છીનવેલા સામાન માટે રૂ. 1.08 લાખ અને વળતર તરીકે રૂ. 50,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો.