રેલવેએ પ્રથમ વાર ફલોટિંગ સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કર્યો, ૨૦૩૦ સુધીમાં શૂન્ય કાર્બનનો લક્ષ્યાંક
ઇગતપુરી ઝીલ પર ૧૦ મેગાવૉટ પીક (મેગા વૉટ પીક) કેપેસિટીવાળો સોલર પ્લાન્ટ
૭ મેગાવૉટ સૌર ઉર્જા ૨.૫ લાખ વૃક્ષો બચાવવા જેટલો
નવી દિલ્હી,૨૮ જૂન,૨૦૨૪,શુક્રવાર
વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ગ્રીન એનર્જી પર ભાર મુકવામાં આવે છે. ભારતીય રેલવેએ પણ પ્રદૂષણના ઉપાય માટે ગ્રીન એનર્જી તરફ વળવાનું નકકી કર્યુ છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં નેશનલ ટ્રાંસપોર્ટરે ગ્રીન રેલવેનો લક્ષ્યાંક નકકી કર્યો છે. ભારતીય રેલવેએ અનેક સ્ટેશનો પર સોલર પેનલ લગાવ્યા છે હવે તેનાથી આગળ વધીને સેન્ટ્રલ રેલવેએ પ્રથમ વાર ફલોટિંગ સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કર્યો છે.
રેલવેએ આ પગલું ગ્રીન અર્થ હેઠળ ઉઠાવ્યું છે. રેલવેએ સેન્ટ્રલ ઝોનમાં ઇગતપુરી ઝીલ પર ૧૦ મેગાવૉટ પીક (મેગા વૉટ પીક) કેપેસિટીવાળો સોલર પ્લાન્ટ ઇન્સ્ટોલ કર્યો છે. મધ્ય રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્લાન્ટ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો (સોર ઉર્જા, પવન ઉર્જા)નો લાભ લેવા માટે સ્થાપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૩૦ સુધી શૂન્ય કાર્બન ઇમિટરનો લક્ષ્યાંક હાંસિલ કરવા માટે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત મહત્વનો સાબીત થશે.
આ વર્ષે ૭ મેગાવૉટ સૌર ઉર્જા સ્થાપિત કરવાની યોજના છે. જે ૨.૫ લાખ વૃક્ષો બચાવવા જેટલો છે. હાલમાં રેલવેનો માસિક વીજળી વપરાશ ટ્રેકશન કામ માટે ૨૩૬.૯૨ મિલિયન યુનિટ અને ગેર ટ્રેકશન કામ માટે ૯.૭ મિલિયન યુનિટ છે. જો રેલવેના તમામ સોલાર પ્લાન્ટ સુચારુ રીતે ચાલું કરવામાં આવે તો વીજળીના વપરાશમાં ૭૦ ટકા જેટલો ઘટાડો થશે.