વંદે ભારત પર પથ્થરમારાને કારણે રેલ્વેને કેટલું નુકસાન થયું? રિપોર્ટમાં ખુલાસો
Vande Bharat: ભારતમાં આજકાલ વંદે ભારત ટ્રેન મુસાફરોની સૌથી લોકપ્રિય અને આરામદાયક ટ્રેન બની છે. દેશના અનેક રાજ્યોમાં આ ટ્રેન ચાલી રહી છે પરંતુ ટ્રેનો પર પથ્થરમારાના કિસ્સાઓ પણ દરરોજ પ્રકાશમાં આવી રહ્યાં છે. તાજેતરમાં પણ બે જગ્યાએ પથ્થરમારાની ઘટનાઓ બની હતી જેમાં ટ્રેનના કાચ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. છેલ્લા પાંચ વર્ષમાં વંદે ભારત ટ્રેનોને નુકસાન થવાની લગભગ 50 ઘટનાઓ બની છે. ભારતીય રેલ્વે પણ આને રોકવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
દેશમાં હાલ 100 રૂટ પર કુલ 102 વંદે ભારત ટ્રેન દોડી રહી છે જે વિવિધ રાજ્યોના 280થી વધુ જિલ્લાઓને જોડે છે. આ ઘટનાઓ બાદ રેલ્વેએ ઘણા રૂટ પર બ્લેક સ્પોટની ઓળખ કરી છે, જ્યાં એક કરતા વધુ વખત અનિશ્ચનિય ઘટનાઓ બની છે. આમાંથી મોટાભાગની ઘટનાઓ ગ્રામ્ય વિસ્તારોમાં બની છે.
તાજેતરમાં રેલ્વે દ્વારા જ ગત વર્ષનો એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં રેલ્વેને માત્ર પથ્થરમારાના કારણે લગભગ 56 લાખ રૂપિયાનું નુકસાન થયું છે અને પથ્થરમારાના કારણે તૂટેલા કાચના સમારકામમાં દર વર્ષે રૂ. 15 લાખનો ખર્ચ થાય છે આમ અત્યાર સુધીમાં પથ્થરમારાને કારણે રેલ્વેને આશરે રૂ. 70 લાખનું નુકસાન થયું છે. જોકે આવા મામલામાં કાર્યવાહી કરતા રેલ્વેએ 150થી વધુ લોકોની ધરપકડ કરી છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરી છે.
કાયદાકીય કાર્યવાહી :
રેલ્વેનું કહેવું છે કે રેલ્વે પ્રોપર્ટીના નુકસાન અંગે હાલમાં કાયદા છે. આ અંતર્ગત તોફાની તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પથ્થરમારાની ઘટનાઓમાં સૌથી મોટો પડકાર આરોપીઓની ઓળખ કરવાનો હોય છે પરંતુ આ કામ સ્થાનિક પોલીસની મદદથી કરવામાં આવે છે. આ સાથે રેલ્વે દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો અથવા સ્થળોએ દારૂડિયાઓ અને તોફાની તત્વો જેવા અસામાજિક તત્વો સામે ઝુંબેશ ચલાવવામાં આવે છે અને પકડાયેલા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે.
જો કોઈ પણ વ્યક્તિ રેલ્વે સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે દોષિત ઠરે તો રેલ્વે અધિનિયમ, 1989ની કલમ 151 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ અંતર્ગત વધુમાં વધુ પાંચ વર્ષની સજા અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે.