રેલવે મંત્રીએ કર્યું મોટું એલાન: વિદેશોમાં પણ દોડશે 'વંદે ભારત ટ્રેન', એક્સપોર્ટની તૈયારી
- રેલવે મંત્રીએ ગ્લોબલ બિઝનેસ સમિટમાં આ વાત કહી
નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી 2024, રવિવાર
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને મોટું એલાન કરી દીધુ છે. તેમણે કહ્યું કે આગામી વર્ષોમાં દેશમાં ડિઝાઈન અને બનેલી વંદે ભારત ટ્રેનોની નિકાસ કરવાની તૈયારીઓ છે. રેલવે મંત્રીએ ગ્લોબલ બિઝનેસ સમિટમાં આ વાત કહી છે. તેમણે કહ્યું કે, પ્રારંભિક પડકાર એ હતા કે, વંદે ભારત ટ્રેનોને દેશની અંદર પોતાના એન્જિનિયરો દ્વારા વિકાસ કરવામાં આવે. તેમાં અમને સફળતા પણ મળી છે. હવે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આવનારા વર્ષોમાં આપણે આ ટ્રેનની નિકાસ શરૂ કરી દઈશું.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વંદે ભારતને લઈને સારો પ્રતિસાદ મળ્યો છે. હાલમાં આ ટ્રેનોમાં વધુ સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ટ્રેનના નવા વેરિઅન્ટ વંદે ભારત સ્લીપર પર પહેલાથી જ કામ શરૂ થઈ ચૂક્યુ છે. રેલવે મંત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધારીને 82 કરવામાં આવી છે. નવી દિલ્હી-મુંબઈ અને નવી દિલ્હી-હાવડા રેલવે રૂટ પર આ ટ્રેનોની ગતિ 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે વંદે ભારત ટ્રેનોની સેવાઓ અંગે 10 સાંસદો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. વૈષ્ણવે કહ્યું કે, 31 જાન્યુઆરી 2024 સુધી 82 વંદે ભારત ટ્રેનો સંચાલિત હતી.
રેલવેના 6 મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી
બીજી તરફ કેન્દ્રીય મંત્રી મંડળે રેલવેના 6 મલ્ટીટ્રેકિંગ એટલે કે લાઈન ક્ષમતા વિસ્તરણ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી. રાજસ્થાન, આસામ, તેલંગાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ અને નાગાલેન્ડના 18 જિલ્લાઓને આવરી લેતા 6 પ્રોજેક્ટ છે જે ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કને 1020 કિમી સુધી વિસ્તારી દેશે. આ પ્રોજેક્ટ્સ આ રાજ્યોના લોકોને લગભગ 3 કરોડ માનવ દિવસની રોજગારી પૂરી પાડશે. તેમની કુલ અંદાજિત કિંમત 12,343 કરોડ રૂપિયા હશે અને કેન્દ્ર સરકાર 100 ટકા ભંડોળ આપશે.