‘ડ્રાઈવર મોબાઈલ પર ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા’ આંધ્રપ્રદેશમાં બે ટ્રેનોના અકસ્માત મામલે રેલવે મંત્રીનો ખુલાસો

વિજયનગર જિલ્લામાં ગત વર્ષે બે ટ્રેનો વચ્ચે મામલે રેલવે મંત્રીનો ચોંકાવનારો ખુલાસો

અકસ્માતના એક દિવસ બાદ રેલવેએ દુર્ઘટનાને માનવીય ભૂલ ગણાવી હતી

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
‘ડ્રાઈવર મોબાઈલ પર ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા’ આંધ્રપ્રદેશમાં બે ટ્રેનોના અકસ્માત મામલે રેલવે મંત્રીનો ખુલાસો 1 - image


Andhra Train Accident : આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લામાં ગત વર્ષે 29મી ઓક્ટોબરે બે ટ્રેનો સામસામે ટકરાઈ હતી, જેમાં લગભગ 14 લોકોના મોત થયા હતા અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. તે સમયે રેલવેએ કહ્યું હતું કે, માનવીય ભૂલના કારણે અકસ્માત થયો છે. હવે આ મામલે રેલવે મંત્રીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

‘ડ્રાઈવર મોબાઈલ પર ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા’

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) દાવો કર્યો કે, ‘જ્યારે બંને ટ્રેન સામેસામે અથડાઈ હતી, ત્યારે ટ્રેનનો લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટ મોબાઈલ પર ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા.’ ઉલ્લેખનિય છે કે, 29 ઓક્ટોબર-2023ના રોજ સાંજે સાત વાગ્યે આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના કંટાકાપલ્લીમાં બે ટ્રેનો સામ સામે ટકરાઈ હતી, જેમાં 14ના મોત અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં રાયગડા ટ્રેને વિશાખાપટ્ટનમ પલાસા ટ્રેનને પાછળથી ટક્કર મારી દીધી હતી.

બંને ડ્રાઈવરોનું ધ્યાન ભટકાઈ ગયું હતું : અશ્વિની વૈષ્ણવ

રેલવે મંત્રીએ કહ્યું કે, ‘ટ્રેનના બંને ડ્રાઈવરનું ધ્યાન ભટકાઈ જવાના કારણે આંધ્રપ્રદેશમાં ટ્રેન અકસ્માત થયો હતો. હવે અમે આવા કોઈપણ અકસ્માતો ટાળવા નવી સિસ્ટમ બનાવીશું. પાયલટ અને સહાયક પાયલટ ટ્રેન ચલાવવામાં સંપૂર્ણ ધ્યાન આપી શકે અને આવા અકસ્માતોનું કારણ તુરંત જાણી શકાય તેવી પ્રણાલી વિકસાવીશું. આવી ઘટનાઓ વારંવાર ન મળે તે માટે અમે સુરક્ષા પર પણ સતત ધ્યાન આપતા રહીશું. અમે તમામ ઘટનાના મૂળ કારણો જાણવાનો પ્રયાસ કરીએ છીએ અને સમાધાન નિકાળીએ છીએ.’

કઈ કઈ ટ્રેનો વચ્ચે અકસ્માત થયો હતો

આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લામાં હાવડા-ચેન્નઈ લાઇન પર એક ટ્રેન સિગ્નલને પાર કરીને બીજી ટ્રેન સાથે અથડાયા બાદ ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત ગત વર્ષે 29 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યાં 08532 વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન અને 08504 વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ વચ્ચે ટક્કર થઈ હતી.

રેલવે અધિકારીઓએ શું કહ્યું હતું ?

તે સમયે રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાછળથી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેનના બે ડબ્બા અને સિગ્નલથી આગળ જતી વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેનનો એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવેએ અકસ્માત પાછળ માનવીય ભૂલ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. ઈસીઓઆરએ કહ્યું હતું કે, વિઝિયાનગરમમાં આ ટ્રેન દુર્ઘટના માનવસર્જિત ભૂલ છે. સિગ્નલ ઓવરશૂટિંગને લીધે દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા છે. 

તપાસનો રિપોર્ટ હજુ પણ જાહેર કરાયો નથી

રેલ્વે સુરક્ષા કમિશનરોએ ટ્રેન અસ્માત અંગેનો કોઈપણ રિપોર્ટ જાહેર કર્યો નથી. જોકે ઘટનાના એક દિવસ બાદ રેલવે (Railway)ની પ્રારંભીક તપાસને ટાંકીને કહેવાયું હતું કે, રાયગડા ટ્રેનના લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટ ટ્રેન અસ્માતના જવાબદાર છે. તેમણે સ્વચાલિત સિગ્નલ સિસ્ટમ માટેના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ અકસ્માતમાં ચાલક દળના બંને સભ્યોનું મોત થઈ થયું હતું.


Google NewsGoogle News