Get The App

'અમે રીલ બનાવનારા નથી, કામ કરનારા લોકો..', સંસદમાં કોંગ્રેસ પર ભડક્યાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
'અમે રીલ બનાવનારા નથી, કામ કરનારા લોકો..', સંસદમાં કોંગ્રેસ પર ભડક્યાં રેલવેમંત્રી અશ્વિની  વૈષ્ણવ 1 - image


Image: Twitter

Railway Minister Ashwini Vaishnaw:  સંસદમાં કોંગ્રેસના આરોપોનો જડબાતોડ જવાબ આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે રીલ બનાવનારા નથી કામ કરનારા લોકો છીએ. રેલવે દુર્ઘટના અંગે વિપક્ષના હંગામા પર નારાજગી વ્યક્ત કરતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જે લોકો અહીં બૂમો પાડી રહ્યા છે તેમને પૂછવું જોઈએ કે, સત્તા ઉપર 58 વર્ષ રહીને પણ તેઓ એક કિલોમીટર પણ ઓટોમેટિક ટ્રેન પ્રોટેકશન (ATP) કેમ ન લગાવી શક્યા. 

સંસદમાં બોલતી વખતે વિપક્ષી સાંસદોના હંગામાથી રેલવે મંત્રી નારાજ થઈ ગયા હતા. આ દરમિયાન તેઓ વિપક્ષી સાંસદો પર ભડકી ગયા અને તેમને બેસી જવા માટે કહ્યું. તેમણે હંગામો કરી રહેલા વિપક્ષી સાંસદોને કહ્યું કે ચૂપ, બેસી જાઓ. કંઈ પણ બોલી રહ્યા છો. ત્યારબાદ તેમણે ચેરને સંબોધિત કરતાં કહ્યું કે આ શું રીત છે, કોઈ કંઈ પણ વચમાં બોલવા લાગી જાય છે. 

રેલવે મંત્રીએ કહ્યું કે આજે એ લોકો સવાલ પૂછવાની હિંમત કરી રહ્યા છે જેઓ જ્યારે મમતા બેનરજી રેલવે મંત્રી હતા ત્યારે દુર્ઘટનાનો આંકડો 0.24થી ઘટીને 0.19 થતાં સદનમાં તાળી પાડી રહ્યા હતા અને આજે જ્યારે આ આંકડો 0.19થી ઘટીને 0.03 થઈ ગયો છે ત્યારે આ રીતે આરોપ લગાવી રહ્યા છે.

શું દેશ આવી રીતે ચાલશે?  

અશ્વિની વૈષ્ણવે સ્પીકરને પૂછ્યું કે શું આ દેશ આવી રીતે ચાલશે? રેલવે મંત્રીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સોશિયલ મીડિયાની ટ્રોલ આર્મી દ્વારા જૂઠાણું ફેલાવે છે. અયોધ્યામાં સ્ટેશનની એક જૂની દિવાલ ધરાશાયી થઈ તો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના હેન્ડલે તાત્કાલિક તેને મુદ્દો બનાવી ઉછાળવાનું ચાલુ કર્યું. આ પ્રકારના જૂઠાણાથી દેશ કેવી રીતે ચાલશે. દરરોજ બે કરોડ પેસેન્જર્સ યાત્રા કરે છે. શું આ લોકો તેમના મનમાં ડર બેસાડવા માંગે છે? 

દુર્ઘટનાને રોકવા માટે શું કર્યું

રેલવે મંત્રીએ સંસદમાં જણાવ્યું કે દુર્ઘટનાને અટકાવવા માટે સમગ્ર દેશમાં જ્યાં દર વર્ષે કોઈ સ્કૂલ બસ અથવા કોઈ દુર્ઘટના ઘટતી હતી ત્યાં માનવરહિત રેલવે ક્રોસિંગ કરી દેવામાં આવ્યા. સ્ટેશનનું સમગ્ર કંટ્રોલ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગના માધ્યમથી થાય છે. વિશ્વના મોટા દેશોમાં 1980-90ના દાયકામાં આ સિસ્ટમ લગાવી દેવામાં આવી હતી. આપણે ત્યાં ધીમી ગતિથી કામ ચાલી રહ્યું હતું. 2014માં સરકારમાં આવ્યા બાદ અમે 2015માં એટીપી ડેવલપ કરવાનો સંકલ્પ લીધો અને 2016માં કવચનું ટ્રાયલ શરુ કર્યું. કોરોના મહામારી છતાં 2020-21માં તેના એક્સટેન્ડેટ ટ્રાયલ્સ થયા.‌ ત્રણ મેન્યુફેક્ચર્સને ચિહ્નિત કર્યા અને 2023માં 3000 kmનો પ્રોજેક્ટ રોલ આઉટ થયો અને આજે આપણે એ સ્થિતિમાં છીએ કે બે મેન્યુફેક્ચર્સ ઉમેરવા જઈ રહ્યા છે. અમે 8000થી વધુ એન્જિનિયર્સને ટ્રેનિંગ આપી છે. 

તેમણે જણાવ્યું કે અત્યારે 9,000 કિલોમીટરના ટેન્ડર ઇન પ્રોસેસ છે અને થોડા જ મહિનામાં પાંચ હજાર લોકોમોટિવ્સ પર તે લાગવાનું શરુ થઈ જશે. આપણું લગભગ 70 હજાર કિલોમીટરનું રેલવે નેટવર્ક છે. આનાથી અડધા નેટવર્કવાળા દેશોએ ATP ઇન્સ્ટોલ કરવામાં લગભગ 20 વર્ષ લગાવ્યા છે. એટલી ખાતરી આપું છું કે કવચ ઇન્સ્ટોલ કરવામાં કોઈ કસર નહીં છોડીએ.

છેલ્લા 15 દિવસમાં 8 રેલવે દુર્ઘટના ઘટી

હકીકતમાં વિપક્ષ સતત થઈ રહેલી રેલવે દુર્ઘટના અંગે રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં રેલવે દુર્ઘટના ઘટી રહી છે તો રેલવે મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. તમને જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસોમાં 8 વખત રેલવે દુર્ઘટના ઘટી છે.


Google NewsGoogle News