'ચોરી માટે રેલવે જ જવાબદાર...', હવે સામાન ગુમાવનાર યાત્રીને મળશે વળતર, જાણો શું છે મામલો
Image: Freepik
Indian Railways: મુસાફરનો સામાન ચોરી થવાની સજા રેલવેએ ભોગવવી પડશે. NCDRC એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગે એક મામલામાં રેલવેને એક મુસાફરને લાખો રૂપિયાનું વળતર આપવાના આદેશ આપ્યા છે. આયોગનું કહેવું છે કે 'રેલવે અધિકારીઓની બેદરકારીના કારણે આ ઘટના બની અને મુસાફરને મળનારી સુવિધાઓમાં અછત હતી.' ખાસ વાત એ છે કે આ મામલો 7 વર્ષ જૂનો છે.
શું છે સમગ્ર મામલો
દુર્ગના રહેવાસી દિલીપ કુમાર ચતુર્વેદી 9 મે 2017એ પરિવારની સાથે અમરકંટક એક્સપ્રેસમાં કટનીથી દુર્ગની મુસાફરી કરી રહ્યા હતા. તે સ્લીપર કોચમાં હતા. તેમણે પોતાના સામાનને લઈને રેલવે પોલીસમાં FIR નોંધાવી હતી કે રાત્રે લગભગ 02.30 વાગે 9.3 લાખ રૂપિયાની કિંમતનો સામાન અને રોકડ ચોરી થઈ ગઈ છે. તે બાદ તેમણે દુર્ગ જિલ્લા ગ્રાહક સુરક્ષા આયોગમાં મામલો નોંધાયો.
આયોગે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે જીએમ, દુર્ગ સ્ટેશન માસ્ટર અને બિલાસપુર જીઆરપી પ્રભારીને દાવાની રકમ ચૂકવવાના આદેશ આપ્યા. તે બાદ ઉત્તરદાતાઓએ આદેશને રાજ્ય આયોગમાં પડકાર આપ્યો, જ્યાંથી જિલ્લા પંચનો આદેશ રદ કરી દેવાયો. તે બાદ ચતુર્વેદી NCDRC ની શરણે ગયા.
આ પણ વાંચો: મુસાફરો માટે લેવાયો નિર્ણય: ભારતીય રેલવે તહેવારોમાં દોડાવશે 16 સ્પેશિયલ ટ્રેન
NCDRC પહોંચી વાત
ચતુર્વેદીએ NCDRC ને જણાવ્યુ હતું કે 'ટીટીઈ અને રેલવે પોલીસ સ્ટાફ રિઝર્વ્ડ કોચમાં અનધિકૃત લોકોની અવર-જવરમાં બેદરકારી વર્તી રહ્યા હતા.' તેમના વકીલે પણ આયોગને જણાવ્યુ કે ચોરી થયેલા સામાનને ચેન સાથે બાંધવામાં આવ્યો હતો અને બીજા પક્ષની કલમ 100 ની વાતને બેદરકારીના મામલામાં માની શકાય નહીં.
આયોગે શું કહ્યું
NCDRC નું કહેવું છે કે મુસાફરે પોતાના સામાનની સુરક્ષા માટે યોગ્ય સાવધાની વર્તી હતી અને TTE અનામત કોચમાં બહારના લોકોને આવવાથી રોકવાની પોતાની જવાબદારીમાં નિષ્ફળ રહ્યા. તે બાદ આયોગે મુસાફરને 4.7 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ જારી કર્યો. ખાસ વાત એ છે કે NCDRC એ રેલવેની આ વાતને પણ માની નહીં કે રેલવે એક્ટની કલમ 100 હેઠળ જો યાત્રીએ સામાન બુક કર્યો નહીં અને તેમની પાસે રસીદ નથી તો તેમનું તંત્ર ચોરી માટે જવાબદાર નથી.
આ પણ વાંચો: યાત્રીગણ ધ્યાન દે...! ટ્રેનના પાટા કે પ્લેટફોર્મ પર જો ભૂલથી પણ આવું કર્યું તો થશો જેલભેગા
જસ્ટિસ સુદીપ અહલુવાલિયા અને જસ્ટિસ રોહિત કુમાર સિંહની NCDRC બેન્ચે કહ્યું, 'રેલવે ચોરી માટે જવાબદાર છે અને સંબંધિત અધિકારીઓની બેદરકારીના કારણે મુસાફરને મળનારી સુવિધાઓમાં અછત હતી.' આયોગે એ પણ કહ્યું કે અનામત કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફર અને તેમના સામાનનો ખ્યાલ રાખવો રેલવેની જવાબદારી છે.'