VIDEO: પ્રયાગરાજથી જતી બે ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી મળતા ખળભળાટ, રેલવેએ શરૂ કરી તપાસ
Ballia Railway Station Bomb Threat : હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં અનેક શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા આવી રહ્યા છે, ત્યારે પ્રયાગરાજ જતી બે ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પ્રયાગરાજના કંટ્રોલ રૂમને બલિયાથી લોકમાન્ય તિલક ટર્મિનસ જતી કામાયની એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાનો કોલ આવ્યો છે, જેના કારણે જિલ્લા પોલીસ અને GRPની સાથે RPFની સંયુક્ત ટીમે ટ્રેનને યાર્ડમાં લઈ જઈ તપાસ કરી છે. આ દરમિયાન બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ જાણ કરવામાં આવી છે.
ટ્રેનને યાર્ડમાં લઈ જઈ તપાસ શરૂ
અધિકારી શ્યામકાંતે કહ્યું કે, ‘પોલીસ કન્ટ્રોલ રૂમને પ્રયાગરાજ જતી બે ટ્રેનોમાં બોંબ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ, જીઆરપી અને આરપીએફ બલિયાની ટીમ સાથે અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ સુરક્ષા સાથે ટ્રેનને યાર્ડમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેનની યોગ્ય તપાસ કરવામાં આવી. અમે તમામ લોકો તમામ ઈક્વિમેન્ટ સાથે ત્યાં પહોંચ્યા અને ટ્રેનની સંપૂર્ણ તપાસ કરી. અમે બીડીએસને પણ સૂચના આપી અને તે લોકો પણ આવી રહ્યા છે.’
તપાસમાં કશું ન મળ્યું
તેમણે કહ્યું કે, ‘અત્યાર સુધીમાં કોઈપણ બોંબ મળ્યો નથી અને તપાસમાં પણ કોઈ પરેશાની આવી નથી. ટ્રેનમાં હાજર પોલીસ કર્મચારીઓ અને તપાસ ટીમ આખી ટ્રેનની તપાસ કરી રહ્યા છે. ટ્રેન ખાલી હોવાના કારણે તપાસમાં કોઈપણ અડચણ ઉભી થઈ નથી.’
તેની શરૂઆત એપ્રિલથી થઈ હતી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં આવા અનેક મામલા સામે આવ્યા છે. અનેક વખત બોમ્બની ધમકીઓ સાથેના મેસેજ અને કોલ આવ્યા છે, પરંતુ હજુ સુધી તપાસ દરમિયાન કંઈ મળ્યું નથી. ગત વર્ષે એપ્રિલથી આવા કિસ્સામાં વધારો થયો છે. અગાઉ ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, ઘણી હોટલો અને હજારો ફ્લાઈટોને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઘણા એરપોર્ટ પર બોમ્બની ધમકીઓ પણ મળી હતી. પરંતુ તપાસ દરમિયાન ક્યાંય કશું મળ્યું ન હતું. થોડા દિવસો પહેલા જ દિલ્હી અને નોઈડાની ઘણી શાળાઓમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી.