રેલવેના ઈતિહાસમાં પહેલીવાર મહિલા બની CEO, જાણો કોણ છે જયા વર્મા સિન્હા
જયા વર્મા સિન્હાએ બાલાસોર ટ્રેન અકસ્માત વખતે રહ્યા હતા ખૂબ જ એક્ટીવ
આજના આ યુગમાં દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષને ટક્કર આપી રહી છે. ભારતમાં તમામ ક્ષેત્રે મહિલા ભાગીદારી વધી છે ઉપરાંત મહિલાઓ દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચી છે. તાજેતરમાં મહિલાએ વધુ એક શિખરસર કરી ઈતિહાસ રચ્યો છે. રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને રેલવેના ચેરમેન અને CEO પદ પર નિયુક્ત કરવામાં આવી છે. જયા વર્મા સિન્હાને ભારતીય રેલ્વેના અધ્યક્ષ અને CEO બનાવવામાં આવ્યા છે. જયા વર્મા સિન્હા આજ રોજથી ચાર્જ સંભાળશે.
રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ
જયા વર્મા સિન્હાએ અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ 1986 બેચની ઇન્ડિયન રેલ્વે મેનેજમેન્ટ સર્વિસ (IRMS) ની બેચના ઓફિસર છે. સિન્હા રેલવે બોર્ડના વર્તમાન અધ્યક્ષ અનિલ કુમાર લાહોટીનું સ્થાન લેશે. વિજયાલક્ષ્મી વિશ્વનાથન રેલવે બોર્ડના પ્રથમ મહિલા સભ્ય હતા, પરંતુ જયા વર્મા સિન્હા રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ હશે.
જયા વર્મા સિન્હા સૌથી મોટા બજેટ દરમિયાન બન્યા અધ્યક્ષ
જયા વર્મા સિન્હા એવા સમયે બોર્ડનો હવાલો સંભાળશે જ્યારે ભારતીય રેલ્વેને કેન્દ્ર સરકાર તરફથી આ વખતે રેકોર્ડ બજેટની ફાળવણી કરવામાં આવી છે. ભારતીય રેલ્વેને 2023-24માં રૂ. 2.4 લાખ કરોડનું રેલવે બજેટ ફાળવવામાં આવ્યું છે. નેશનલ ટ્રાન્સપોર્ટરને ફળવામાં આવેલ આ અત્યાર સુધીની સૌથી વધુ મોટું બજેટ છે.
બાલાસોર ટ્રેન અકસ્માત વખતે રહ્યા હતા ખૂબ જ એક્ટીવ
ઓડિશાના બાલાસોરમાં થયેલ ટ્રેન અકસ્માત વખતે જયા વર્મા સિન્હા ખૂબ જ એક્ટીવ હતા. તેમણે આ સમગ્ર ઘટના પર ખાસ નજર રાખી હતી. આ ઉપરાંત તેમણે PMOમાં આ ઘટના અંગે પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. તેમની સક્રિયતા અને કાર્યશૈલીની ખૂબ પ્રશંસા થઈ હતી. હવે સરકારે જયા વર્મા સિન્હાને રેલવે બોર્ડની મોટી જવાબદારી સોંપી છે.