VIDEO: વધુ એક ગુડ્ઝ ટ્રેન દુર્ઘટના : પશ્ચિમ બંગાળમાં પાટા પરથી ઉતરી માલગાડી, ચાર દિવસમાં ચોથી ઘટના
West Bengal Railway Accident : દેશમાં ટ્રેન પાટા ઉતરી જવાનો સીલસીલો યથાવત્ હોય તેમ વધુ એક ગુડ્ઝ ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલો મુજબ પશ્ચિમ બંગાળના રાનાઘાટમાં એક ગુડ્ઝ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે, જોકે આ ઘટનામાં કોઈના મૃત્યુની કે ઈજા થવાના અહેવાલો નથી. હાલ ઘટના સ્થળે રેલવેના અધિકારીઓ પહોંચી ગયા છે અને પાટા પરથી ઉતરી ગયેલી વેગનોને પાટા પર લાવવાનું કામ ચાલી રહ્યું છે.
એક સપ્તાહમાં ચોથી ટ્રેન દુર્ઘટના
છેલ્લા એક સપ્તાહમાં ટ્રેન દુર્ઘટનાની આ ચોથી ઘટના બની છે. અગાઉ ઉત્તર પ્રદેશના અમરોહાના રેલવે સ્ટેશન પાસે એક ગુડ્ઝ ટ્રેનની 12 બોગીઓ શનિવારે સાંજે પાટા પરથી ઉતરી ગઈ હતી, જોકે તેમાં કોઈપણ મોટી જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસની અંદર આ બીજી ઘટના બની હતી. આ પહેલા ગોંડામાં ગુરુવારે સાંજે એક પેસેન્જર ટ્રેનના આઠ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ચંડીગઢથી ડિબ્રૂગઢ જતી ટ્રેન ગોંડામાં સ્ટેશન ક્રોસ કર્યા બાદ ડિરેક થઈ ઘઈ હતી. આ ઘટનામાં ચાર પ્રવાસીઓના મોત થયા હતા. જ્યારે 30થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
ગુજરાતમાં પણ ટ્રેન દુર્ઘટના
19 જુલાઈના રોજ ગુજરાતના વલસાડમાં પણ માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાટા પરથી ઉતરેલા કોચને પાટા પરથી હટાવીને રૂટની અન્ય ટ્રેનોનું સંચાલન શરૂ કરાવ્યું હતું. જો કે હાલ ઘટના કયા કારણોસર સર્જાય તેની તપાસ આદરી હતી. આ પહેલા બીજી જૂન-2024ના રોજ પંજાબના ફતેહગઢ સાહિબના સરહિંદમાં માધોપુર નજીક રેલવેની બે માલગાડીઓ એકબીજા સાથે ભયંકર રીતે અથડાઈ. આ અથડામણમાં બે ટ્રેન પાઈલટ ઘાયલ થયા હતા.
દર વર્ષે કેટલા અકસ્માતો થાય છે?
સરકારે દાવો કર્યો છે કે, 2004થી 2014 વચ્ચે વાર્ષિક સરેરાશ 171 ટ્રેન અકસ્માત થતા હતા, જ્યારે 2014થી 2023 વચ્ચે વાર્ષિક સરેરાશ 71 ટ્રેન અકસ્માત થયા છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં ટ્રેન અકસ્માતમાં ઘટાડો થયો છે.
1960-61થી 1970-71 વચ્ચે એટલે કે 10 વર્ષમાં 14769, 2004-05થી 2014-15 વચ્ચે 1844, જ્યારે 2015-16થી 2021-22 એટલે કે છ વર્ષમાં 449 ટ્રેન અકસ્માતો થયા છે. આ મુજબ 1960થી 2022 સુધીના 62 વર્ષમાં 38,672 ટ્રેન અકસ્માતો થયા છે. એટલે કે દર વર્ષે સરેરાશ 600થી વધુ અકસ્માતો થયા છે.
રેલવેના ડેટા મુજબ ડિરેલમેન્ટ એટલે કે પાટા પરથી ટ્રેન ઉતરી જવાના કારણે સૌથી વધુ અકસ્માતો થયા છે. 2015-16થી 2021-22 વચ્ચે 449 ટ્રેન અકસ્માતોમાંથી 322 અકસ્માત ડિરેલમેન્ટના કારણે થયા હતા.
આ પણ વાંચો : રાહુલ ગાંધીને મળશે એવોર્ડ, જાણો કયા પુરસ્કારથી નવાજવામાં આવશે કોંગ્રેસના દિગ્ગજ નેતા