રાહુલના હેલિકોપ્ટરની ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ કરાઇ
- હેલિકોપ્ટરની તપાસનો વીડિયો સામે આવ્યો
- ચૂંટણીમાં પારદર્શિતા જાળવવા તપાસ કરીનો અધિકારીઓનો દાવો, જોકે કઇ મળ્યું નહીં
ચેન્નાઇ : તામિલનાડુમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઇને જઇ રહેલા હેલિકોપ્ટરની ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓએ રાહુલ સાથે હેલિકોપ્ટર નિલગિરિસ પહોંચતા જ તપાસ કરી હતી. જોકે તપાસ દરમિયાન શું મળ્યું તેની કોઇ માહિતી જાહેર નહોતી કરાઇ.
સુત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી અધિકારીઓએ આ તપાસ અંગે પોતાનો બચાવ કરતા દાવો કર્યો હતો કે ચૂંટણીમાં પારદર્શિતા જળવાઇ રહે તે માટે જે સમાન સ્ટાન્ડર્ડ લાગુ કરાયા છે તેના ભાગરૂપે આ તપાસ કરવામાં આવી હતી. આ ઘટના એવા સમયે સામે આવી હતી જ્યારે રાહુલ ગાંધી પોતાના મત વિસ્તાર વાયનાડ જઇ રહ્યા હતા. કેરળમાં રાહુલ ગાંધી ચૂંટણી સભાઓ અને રોડ શો યોજવા જઇ રહ્યા હતા.
રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર તામિલનાડુના નિલગિરીમાં પહોંચતા જ ચૂંટણી અધિકારીઓ પોલીસ સાથે તપાસ માટે પહોંચી ગયા હતા. આ સમગ્ર તપાસનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. હેલિકોપ્ટરમાં તમામ સીટો અને પાયલટની સીટોની પણ તપાસ કરવામાં આવી હતી જોકે કોઇ મળ્યું નહોતું. બાદમાં અધિકારીઓ પાછા જતા રહ્યા હતા. બાદમાં રાહુલ ગાંધી પણ પોતાનો કાર્યક્રમ પુરો કરીને કેરળ રવાના થઇ ગયા હતા જ્યાં તેમણે પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું.