હવે ઈડીથી લઈ સીબીઆઈનો દુરુપયોગ બંધ થઈ જશે? આ મહત્ત્વની નિમણૂકોમાં રહેશે રાહુલ ગાંધીની પણ ભૂમિકા

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi in Lok Sabha

Rahul Gandhi Is Now ‘Shadow PM’ : 18મી લોકસભાના પરિણામ કોંગ્રેસ માટે ઘણીબધી રીતે લાભદાયી નીવડ્યા છે. એમાંનો એક લાભ તે લોકસભામાં વિપક્ષના નેતાનું પદ, જે છેલ્લી બે લોકસભામાં કોંગ્રેસને નહોતું મળ્યું. વર્ષ 2014માં સત્તા પરથી હટ્યા બાદ આ વખતે કોંગ્રેસને લોકસભામાં વિપક્ષના નેતાનું મહત્ત્વપૂર્ણ પદ મળ્યું છે. રાહુલ ગાંધીની ઝોળીમાં આવેલું આ બંધારણીય પદ વિશેષ દરજ્જો અને સત્તા ધરાવે છે. 

વિપક્ષના નેતા રાહુલ ગાંધી જ નહીં ઘરના માણસો ‘નીતિશ-નાયડુ’ પણ બની શકે છે મોદી સરકાર માટે પડકાર 

કોને મળી શકે આ બંધારણીય પદ? 

વિપક્ષ ગઠબંધનની જે પાર્ટીએ લોકસભાની કુલ બેઠકની ઓછામાં ઓછી દસ ટકા સીટ જીતી હોય એ પાર્ટીના નેતાને ‘લોકસભામાં વિપક્ષના નેતા’નું બંધારણીય પદ (LOP સ્ટેટસ) મળતું હોય છે. 16મી અને 17મી લોકસભામાં વિરોધ પક્ષનો કોઈ નેતા નહોતો કારણ કે કોંગ્રેસ કે વિપક્ષની અન્ય કોઈ પાર્ટી પાસે LOP સ્ટેટસ મેળવવા માટે જરૂરી 56 બેઠકો નહોતી. આ વખતે ઇન્ડિયા બ્લોક પૈકીની કોંગ્રેસ પાર્ટી પાસે લોકસભામાં 99 બેઠકો છે, માટે આ પદ કોંગ્રેસના લીડર રાહુલ ગાંધીને ફાળે જાય છે.

105 વર્ષ જૂના કાયદાથી લોકસભા બની, કઈ રીતે આવ્યું સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું પદ

શું ફાયદા છે આ પદના?

LOPનો દરજ્જો અને ભથ્થાં કેબિનેટ મંત્રીના સમાન હોય છે. આ બહુ મોટી જવાબદારી છે, અને એના ઘણાં ફાયદા છે. આ પદને કારણે સરકારની તમામ મહત્ત્વની ચયન-સમિતિઓમાં રાહુલ ગાંધીને સ્થાન મળશે, ટોચની સરકારી એજન્સીઓની ચાવીરૂપ હોદ્દા પર નિમણૂકમાં તેમની મંજૂરી મહત્ત્વની રહેશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન જેવી કેન્દ્રીય એજન્સીઓના વડાઓની નિમણૂક એક પેનલ દ્વારા કરવામાં આવતી હોય છે, જેમાં વડાપ્રધાન અને વિપક્ષના નેતાનો સમાવેશ થતો હોય છે. આ પેનલનો ભાગ બનીને હવે આ તમામ નિમણૂકોમાં રાહુલ ગાંધી ચાવીરૂપ ભાગ ભજવશે. ચૂંટણી કમિશનર, નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના ચેરમેન જેવા પદોની પસંદગીમાં પણ એમનો મત જરૂરી બનશે. તેઓ NHRC અને લોકપાલ જેવી વૈધાનિક સંસ્થાઓના વડાઓની નિમણૂક માટે જવાબદાર વિવિધ પસંદગી સમિતિઓના સભ્ય બનવા માટે પણ હકદાર છે.

લોકસભામાં વિપક્ષ નેતાનું પદ અપશુકનિયાળ? 14માંથી 13 નેતા ન બની શક્યા દેશના વડાપ્રધાન

આ પદને ‘શેડો પ્રાઇમ મિનિસ્ટર’ શા માટે કહેવાય છે? 

‘શેડો વડાપ્રધાન’ શબ્દ આપણા માટે અજાણ્યો છે. બ્રિટિશ સંસદમાં વિપક્ષના નેતાને ‘શેડો પ્રાઇમ મિનિસ્ટર’ કહેવામાં આવે છે, કારણ કે કોઈપણ કારણસર જો સરકાર રાજીનામું આપે અથવા ગૃહમાં પરાજય પામે, તો વિરોધ પક્ષના નેતાને દેશનો વહીવટ સંભાળવાનો હક મળતો હોય છે. વર્તમાન સરકાર પડી જાય તો તરત સરકાર સંભાળી શકાય એ માટે ત્યાંના વિપક્ષના નેતા ‘શેડો કેબિનેટ’ પણ બનાવી રાખે છે. ટૂંકમાં, બ્રિટિશ સંસદમાં વિરોધ પક્ષની ભૂમિકા માત્ર સરકારનો વિરોધ કે ટીકા કરવાની નથી રહેતી, પરંતુ વર્તમાન સરકારના પતનની સ્થિતિમાં વૈકલ્પિક સરકાર બનાવવાની જવાબદારી લેવાની પણ હોય છે. 

કેનેડા અને ન્યૂઝીલેન્ડમાં પણ આ પ્રકારની બંધારણીય વ્યવસ્થા છે. ભારતમાં નથી, પણ જે રીતે LoP સ્ટેટસના કારણે રાહુલ ગાંધીને વિવિધ કેન્દ્રિય એજન્સીઓના ચાવીરૂપ પદે નિમણૂકો કરવાની સત્તાનો હિસ્સો બનવાની તક મળી છે, એ જોતાં એમને ભારતના ‘શેડો વડાપ્રધાન’ કહી શકાય. અત્યાર સુધી રાહુલ ગાંધીએ ક્યારેય કોઈ પેનલમાં નરેન્દ્ર મોદી સાથે ભાગ નથી લીધો, એટલે એ જોવું રસપ્રદ બનશે કે બંને એકસાથે કેવા નિર્ણયો અને નિમણૂકો પર પહોંચે છે.

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યાં હાથ, સંસદમાં સર્જાયું આ દૃશ્ય, જાણો શું હતો મામલો


Google NewsGoogle News