રાહુલની ભારત જોડો યાત્રા 1 દિવસનો ખર્ચ 50 લાખ રૂ. ચૂંટણી પંચને આપેલા હિસાબમાં 71.80 કરોડનો ખર્ચ દેખાડયો
- 2022-23માં કોંગ્રેસને 452.30 કરોડનું અનુદાન મળ્યું
- 2022-23માં કોંગ્રેસનો ચૂંટણી ખર્ચ 192.5 કરોડ રૂ.થી થોડો વધુ હતો, 2022માં કોંગ્રેસ ગુજરાત હિમાચલ પ્રદેશમાં અને '23માં ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલયમાં ચૂંટણી લડી હતી
નવી દિલ્હી : ૨૦૨૨-૨૩માં કોંગ્રેસની રાહુલ ગાંધીના નેતૃત્વ નીચેની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રામાં રોજનો આશરે ૪૯ લાખથી વધુ ખર્ચ થયો હતો. તેમ પાર્ટીએ ચૂંટણી પંચે પોતાના રીપોર્ટમાં જણાવ્યું હતું. ૩૦ જાન્યુઆરીએ શ્રીનગરના લાલ ચોક સુધી યાત્રા પહોંચી ત્યાં સુધીમાં પાર્ટીને ૭૧.૮૦ કરોડનો ખર્ચ થયો હતો.
આ સાથે ૨૦૨૨-૨૩માં યોજાયેલી વિવિધ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો ચૂંટણી ખર્ચ ૧૯૨.૫ કરોડનો હતો, તેમ પણ કોંગ્રેસે ચૂંટણી પંચને જણાવ્યું હતું. કોંગ્રેસ ૨૦૨૨માં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં અને ૨૦૨૩ના પ્રારંભમાં ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ચૂંટણી લડી હતી. આ પૈકી માત્ર હિમાચલ પ્રદેશમાં જ તેને વિજય મળ્યો હતો.
આ સાથે કોંગ્રેસે કહ્યું હતું કે વિત્તીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કોંગ્રેસને ૪૫૨.૩૦ કરોડ રૂપિયાનું અનુદાન મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીનાં નેતૃત્વ નીચે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ૧૪ જાન્યુઆરીના દિવસથી શરૂ થઇ છે. આ યાત્રા ૬૭ દિવસમાં ૬૭૧૩ કીલોમીટર કાપશે. તે ૧૫ રાજ્યોના ૧૧૦ જિલ્લામાંથી પસાર થઇ ૨૦મી માર્ચે મુંબઇમાં સમાપ્ત થશે. ગઇકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા, પ.બંગાળ, માધ્યમિક શિક્ષણ બોર્ડની ૧૦માં ધોરણની પરીક્ષાને લીધે, નિર્ધારીત સમય પછી કેટલાક સમયે મુર્શિદાબાદ જિલ્લામાંથી ફરીથી શરૂ થઈ.
આ યાત્રા દરમિયાન, રાહુલ ગાંધીના કાફલામાં રહેલી એક એમ્બ્યુલન્સ એક વરિષ્ટ જિલ્લા પોલીસ અધિકારીની કારને ટક્કર મારી હતી. તેથી એમ્બ્યુલન્સના ચાલક અને એક અન્ય વ્યક્તિને મુરારઇ થાણામાં લઇ જવાયા હતા, અને પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે કાફલો એમ્બ્યુલન્સ છોડી આગળ વધ્યો હતો.