Get The App

વીર સાવરકર અંગે કરેલાં વિધાનોથી રાહુલે મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ફસાવી દીધી

Updated: Nov 17th, 2022


Google NewsGoogle News
વીર સાવરકર અંગે કરેલાં વિધાનોથી રાહુલે મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ફસાવી દીધી 1 - image


- કોંગ્રેસના સાથી પક્ષો શિવસેના અને એનસીપી તે વિધાનોથી દૂર રહ્યા : તેને પુષ્ટિ આપવાનું પરિણામ તેઓ જાણે છે

નવીદિલ્હી, મુંબઈ : રાહુલ ગાંધીની ભારત જોડો પદયાત્રા અંગે કોંગ્રેસને ઘણી ઘણી આશાઓ છે. પરંતુ મહારાષ્ટ્રમાં વીર સાવરકર અંગે રાહુલે કરેલાં વિધાનોથી કોંગ્રેસ ચિંતામાં પડી ગઈ છે.

વાત એમ બની કે, જન-જાતીય દિવસના ઉત્સવ દરમિયાન પોતાનાં પ્રવચનમાં બીરસા મુંડા સાથે વીર સાવરકરની તુલના કરતાં રાહુલે સાવરકરને અંગ્રેજોનાં એજન્ટ કહી દીધા. આથી સમગ્ર મહારાષ્ટ્રમાં ધમાલ મચી ગઈ છે. તો બીજી તરફ રાજ્યમાં કોંગ્રેસના સાથી પક્ષ શિવસેનાએ તે વિધાનોને અસ્વીકાર્ય ગણાવ્યાં છે. જ્યારે એનસીપીએ તે વિષે તદ્દન મૌન સેવ્યુ છે. પરંતુ વિશ્લેષકો માને છે કે, મહારાષ્ટ્રના જનસામાન્યમાં તેથી રોષ પ્રવર્તી રહ્યો છે. આથી જ ઉક્ત બંને પક્ષો રાહુલનાં તે વિધાનોનું સમર્થન કરવાનું પરિણામ જાણે જ છે.

બીજી તરફ ભાજપ અને એકનાથ શિંદે જૂથ રાહુલ ગાંધી ઉપર તૂટી જ પડયાં છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે રાહુલનાં વિધાનોનો વિરોધ કરતાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રના લોકો તે સહન કરશે નહીં. આવી યાત્રા તો પ્રતિબંધિત જ કરવી જોઈએ. મહારાષ્ટ્રની જનતા જ તે લોકોને જવાબ આપશે. આ લોકો રોજે રોજ ખોટી વાતો કરી રહ્યાં છે. નિર્લજ્જતાની હદ પાર કરી ગયા છે.

જ્યારે એકનાથ શિંદે જૂથે પણ રાહુલ ગાંધીનાં આ વિધાનોને તદ્દન અયોગ્ય જ ગણાવ્યાં હતાં અને કહ્યું હતું કે, હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી જશે.

ઉલ્લેખનીય છે કે એક સમયે મહારાષ્ટ્રમાં નંબર વન મનાતી કોંગ્રેસ પાર્ટી હવે છેક ચોથાં સ્થાને પહોંચી ગઈ છે. ત્યાં કોંગ્રેસ મરાઠી અસ્મિતાનું રાજકારણ ખેલનારી શિવસેના અને એન.સી.પી. તેની સહયોગી પાર્ટીઓ છે.

જોકે, રાહુલ ગાંધીએ એક પત્ર દર્શાવ્યો હતો કે, જેમાં વીર સાવરકરે અંગ્રેજ સરકારને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ''હું તમારો નોકર બનવા ઇચ્છું છું.'' આ અંગે કેટલાંક વિશ્લેષકોનું કહેવું છે કે, તે પત્રમાં પૂર્વાપર સંબંધ શો છે તે વિષે સૌથી પહેલાં વિચારવું જરૃરી છે. તે પછી જ કોઇ વિધાનો કરવાં જોઈએ.

તે જે હોય તે, પરંતુ મહારાષ્ટ્રમાં તો શિવાજી મહારાજ, વીર સાવરકર અને તિલક મહારાજ આરાધ્ય મનાય છે. તેમના વિષે ભૂલથી પણ ઉચ્ચારેલાં ઉણાં વિધાનો ચક્રવાત સર્જી શકે તેમ છે. તેટલું પણ રાહુલ ભૂલી ગયા હોય તેમ લાગે છે. તે ભૂલનો ભોગ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ બની રહેશે તે નિશ્ચિત લાગે છે.


Google NewsGoogle News