રાહુલ ગાંધીએ સંવિધાનની કોપી હાથમાં રાખી શપથ લીધા પ્રોટેમ-સ્પીકર પાછળ ઉભેલા માર્શલ સાથે હાથ મિલાવ્યા
- સામાન્યતઃ ધાર્મિક ગ્રંથને સ્પર્શી 'ઈશ્વર'નાં નામે શપથ લેવાય છે
- સોશ્યલ મીડીયા X પર લખ્યું સંવિધાનની રક્ષા કરવી તે દરેક ભારતીયનું કર્તવ્ય છે જે સૌએ પૂર્ણતઃ નિભાવવું જોઈએ
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ આજે સંસદમાં શપથ લીધા હતા. તે સમયે તેઓના હાથમાં સંવિધાનની નકલ હતી, સામાન્યતઃ શપથ ધાર્મિક ગ્રંથને કે રાષ્ટ્રધ્વજને સ્પર્શીને લેવામાં આવે છે તેને બદલે રાહુલ ગાંધીએ હાથમાં સંવિધાનની નકલ લઈને શપથ લીધા હતા. જોકે આ કાર્યવાહી પણ સ્વીકાર્ય માનવામાં આવે છે.
શપથ ગ્રહણ પછી તેઓએ પ્રોટેલ સ્પીકર ભતૃહરી મહતાબની પાછળ ઉભેલા માર્શલ સાથે હાથ મિલાવ્યા હતા. તે અંગે કોંગ્રેસના ગૃહમાં ઉપસ્થિત રહેલા સાંસદોએ કહ્યું હતું, 'જુઓ અમારા નેતાની નમ્રતા.'
શપથ ગ્રહણ પછી રાહુલ ગાંધીએ જય હિંદ, જય સંવિધાનનો નારો જગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જેઓ વડાપ્રધાન તરીકે નિયુક્ત હોય તે વ્યક્તિ શપથ ગ્રહણ પછી પ્રોટેલ સ્પીકરને વંદન કરે છે, તે પછી સંસદમાં રહેલા વિપક્ષના નેતાને મળે છે. તેઓની સાથે હાથ મિલાવે છે. જ્યારે વિપક્ષી નેતા શપથ ગ્રહણ પછી પ્રોટેલ-સ્પીકરને વંદન કરી વડાપ્રધાનપદે નિશ્ચિત થયેલી વ્યક્તિ સાથે હાથ મિલાવે છે. પરંતુ રાહુલ ગાંધીનાં આ વલણથી આશ્ચર્ય તો થાય તે સહજ છે.
શપથ ગ્રહણ પછી રાહુલ ગાંધીએ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ 'ટ' ઉપર કરેલા પોસ્ટમાં જણાવ્યું કે સંવિધાનનું રક્ષણ કરવું દરેક દેશભક્ત ભારતીયનું કર્તવ્ય છે, અમે તે કર્તવ્યને પૂરેપૂરૂં નિભાવિશું.