વાયનાડમાં રાહુલ-પ્રિયંકા લઘુમતી કોમવાદી તાકતોની મદદથી જીત્યા : સીપીએમ નેતા
પ્રિયંકાએ સંપત્તિની માહિતી છુપાવી હતી ઃ ભાજપ નેતાની હાઇકોર્ટમાં અરજી
સીપીએમ વિજયરાઘવનને પદ પરથી હટાવે : કોંગ્રેસ સીપીએમ નેતા સામે ઉશ્કેરણી બદલ ફરિયાદ દાખલ
વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધીએ સીપીઆઇના સત્થયન મોકેરી અને ભાજપના નાવ્યા હરીદાસને ચાર લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. પ્રિયંકા પહેલા આ જ બેઠક પર અગાઉ રાહુલ ગાંધી પણ જીત્યા હતા જોકે તેમણે બહેન પ્રિયંકા માટે બેઠક ખાલી કરી આપતા તાજેતરમાં પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં પ્રિયંકાની જીત થઇ હતી. વાયનાડમાં સીપીઆઇએમના નેતા વિજયરાઘવને હવે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની રેલીઓમાં કટ્ટરવાદી લઘુમતીઓ જોડાયા હતા. તેઓ પ્રચાર કરી રહ્યા હતા અને સમર્થન પણ આપી રહ્યા હતા. તેમના વગર આ બેઠક પરથી રાહુલ બાદ પ્રિયંકાની જીત શક્ય નહોતી.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલે કહ્યું હતું કે દુઃખદ બાબત છે કે સીપીએમ પોલિટબ્યૂરો સભ્ય આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. કેરળમાં સંઘ પરિવારને ખુશ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય રમેશ ચેનીથાલાએ કહ્યું હતું કે સીપીઆઇએમએ વિજયરાઘવનને પક્ષમાંથી કાઢી મુકવા જોઇએ. જ્યારે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના યુથ સંગઠને સીપીઆઇએમના નેતાની સામે પોલીસ ફરિયાદ કરી હતી અને લોકોમાં ઉશ્કેરણી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
જ્યારે પ્રિયંકા ગાંધી સામે ચૂંટણી હારી ગયેલા ભાજપના નેતા નાવ્યા હરિદાસ કેરળ હાઇકોર્ટ પહોંચ્યા છે. તેમણે કેરળ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પ્રિયંકા ગાંધીની ચૂંટણીને પડકારી છે. સાથે દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારીપત્રમાં ખોટી માહિતી આપી છે. પ્રિયંકા ગાંધીએ સંપત્તિ સહિતની કેટલીક માહિતી છુપાવી છે. મે આ મુદ્દે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી હતી જોકે મારી આશા મુજબ કાર્યવાહી કરવામાં ના આવી. આ અરજીની આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં સુનાવણી થઇ શકે છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે સસ્તા પ્રચાર માટે આ અરજી કરાઇ છે, કોર્ટે તેને રદ કરીને દંડ ફટકારવો જોઇએ.