અમેઠી-રાયબરેલીમાં પોસ્ટર લગાવવાની શરૂઆત, પ્રિયંકા-રાહુલની ઉમેદવારી અંગે સસ્પેન્સ યથાવત્
ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, અમેઠીમાં રાહુલના નામે ઓનલાઈન ફોર્મ ખરીદાયું
Lok Sabha Elections 2024 | દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. જોકે, આખા દેશની નજર કોંગ્રેસની પરંપરાગત બેઠકો અમેઠી અને રાયબરેલી પર છે. બંને બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવાનો શુક્રવારે અંતિમ દિવસ છે ત્યારે અમેઠી અને રાયબરેલીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પોસ્ટરો લાગી ગયા છે. આવતીકાલે ઉમેદવારી નોંધાવતા પહેલાં ભવ્ય રોડ શો યોજવાની કોંગ્રેસે તૈયારીઓ કરી લીધી છે.
દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. બે તબક્કાના મતદાન થઈ ગયા છે. આગામી સપ્તાહે ત્રીજા તબક્કાનું મતદાન થશે. જોકે, આખા દેશની જે બે બેઠકો પર નજર છે તે કોંગ્રેસની પરંપરાગત બેઠકો ગણાતી અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારો જાહેર કર્યા નથી.
આ બંને બેઠકો પર પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે શુક્રવારે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ છે. આવા સમય અમેઠી અને રાયબરેલી પર આવતીકાલે અનુક્રમે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના છે. જોકે, કોંગ્રેસે આ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી.
ગાંધી પરિવારના સભ્યો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પરિવારની આ બંને બેઠકો પરથી ચૂંટણી લડશે કે કેમ તે અંગે લાંબા સમયથી અટકળો ચાલતી હતી, પરંતુ છેલ્લી ઘડી સુધી કોંગ્રેસે આ અંગે કોઈ જાહેરાત કરી નહોતી. જોકે, ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ પહેલાં ગુરુવારે અમેઠીમાં રાહુલ ગાંધીના નામે ઓનલાઈન ફોર્મ ખરીદવામાં આવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. વધુમાં અમેઠીમાં રાહુલ ગાંધી અને રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીના પોસ્ટરો લાગવાનું શરૂ થઈ ગયું હોવાથી સંકેતો મળી રહ્યા છે. વધુમાં તંત્ર પાસે અમેઠી અને રાયબરેલીમાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં ભવ્ય રોડ શો યોજવાની મંજૂરી પણ મેળવવામાં આવી છે. સૂત્રો મુજબ રાહુલ ગાંધી અમેઠીમાં બપોરે જ્યારે પ્રિયંકા ગાંધી રાયબરેલીમાં ઉમેદવારી નોંધાવશે. આ સમયે સોનિયા ગાંધી પણ હાજર રહેશે તેવી શક્યતા છે.