રાહુલ આજકાલ અલગ રાજકારણ ખેલી રહ્યા છે : સ્મૃતિએ વખાણ કયો
- કોઈને ગમે કે ન ગમે , બાલિશ લાગે પણ રાહુલ બદલાયા છે
- હારજીત તો ચાલ્યા કરે પણ અમેઠી સાથે મારો ભાવનાત્મક લગાવ, ખુદ અટલ બિહારી વાજપેયી પણ હાર્યા હતા: સ્મૃતિનું સ્વરુપ બદલાયું
નવી દિલ્હી : કોગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના કટ્ટર ટીકાકાર ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ હવે રાહુલ ગાંધીના વખાણ કર્યાં છે. તેમણે કહ્યું છે કે રાહુલ આજકાલ અલગ રાજકારણ ખેલી રહ્યા છે એ હકીકત છે. ચૂંટણીમાં હાર પછી પોતાનો આક્રમક ટોન છોડી સ્મૃતિએ નરમાશથી વાતો કરતાં એમ પણ કહ્યું છે કે ચૂંટણીમાં હારજીત તો ચાલ્યા કરે પરંતુ અમેઠીમાં મેં જે પ્રદાન આપ્યું છે તેનાથી મને સંતોષ છે. મારો અમેઠી સાથે ભાવનાત્મક લગાવ યથાવત રહેશે.
સ્મૃતિ ઈરાનીએ એક પોડકાસ્ટ વખતે રાહુલ અંગેના સવાલોના જવાબ આપતાં કહ્યુ ંહતું કે રાહુલ ગાંધીનું રાજકારણ બદલાયું છે. રાહુલે જાણે કે સફળતાનો સ્વાદ ચાખી લીધો હોય તેમ વર્તી રહ્યા છે. તેઓ સંસદમાં ટી શર્ટ પહેરીને આવે છે. રાહુલ જાણે છે કે ટી શર્ટ પહેરીને સંસદમાં હાજર થઈ તેઓ યુવાનોને એક મેસેજ આપીર હ્યા છે. તેઓ જ્યાર ેજાતિ વિશે વાત કરી રહ્યા હોય છે ત્યારે એક ચોક્કસ સમુદાય સુધી પહોંચવા માગતા હોય છે. હવે અમારે તેમના વિશે કોઈ વહેમમાં રહેવું ન જોઈએ. રાહુલની દરેક હરકત, તેમની દરેક ચેષ્ટા પછી ભલેને કોઈને તે બાલિશ લાગે પરંતુ હકીકત એ છે કે હવે તેઓ અલગ સ્તરનું રાજકારણ ખેલી રહ્યા છે.
સ્મૃતિએ કહ્યું હતું કે રાહુલે ભૂતકાળમાં સોફ્ટ હિંદુત્વ અપનાવવાની કોશીશ કરી હતી. પરંતુ, અનુભવે તેમણે એ નિષ્ફળ પ્રયુક્તિઓ છોડી દીધી છે અને તેના પરિણામે તેઓ સફળ થયા છે.
રાહુલને મંદિરોની મુલાકાતથી ખાસ સફળતા મળતી ન હતી. આથી તેમણે હવે જાતિની વાત કરવા માંડી છે. તેના આધારે તેઓ ચર્ચામાં આવી રહ્યા છે તેમ સ્મૃતિએ કહ્યું હતું.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલને તેમના પરિવારની પરંપરાગત સીટ અમેઠી પરથી હરાવ્યા હતા. ત્યારથી સ્મૃતિ ઈરાની રાહુલ પર હંમેશાં આકરા પ્રહારો કરતાં રહ્યાં છે. જોકે, રાહુલે તેમને વ્યક્તિગત જવાબ આપવાનું સદા ટાળ્યું છે. હાલમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ અમેઠી બેઠક પરથી ગાંધી પરિવારના વફાદાર કિશોરીલાલ શર્મા સામે હારી ગયાં હતાં. તે વખતે સોશિયલ મીડિયા પર સ્મૃતિને ભારે ટ્રોલ કરવામાં આવ્યાં હતાં. ત્યારે રાહુલે સ્મૃતિનો બચાવ કરતાં કહ્યું હતું કે ચૂંટણીમાં હારજીત તો ચાલ્યા કરતી હોય છે, પરંતુ તે બાબતે કોઈને ટ્રોલ કરવામાં આવે તે ખોટું છે.
ચૂંટણીમાં હાર બાબતે સ્મૃતિએ કહ્યું હતું કે હારજીત તો ચાલ્યા કરે, અટલ બિહારી વાજપેયી જેવા દિગ્ગજો પણ ચૂંટણીમાં હારી ચૂક્યા છે. મને સંતોષ એ વાતનો છે કે અમેઠીમાં હવે એક લાખ પરિવારો પોતાનાં ઘરમાં રહે છે અને ૮૦ હજાર ઘરોમાં વીજળી છે. બે લાખ પરિવારોને ત્યાં પહેલીવાર ગેસ જોડાણ આવ્યાં છે. મારું અમેઠી સાથે ભાવનાત્મક જોડાણ હંમેશાં રહેશે અને હું તેને લગતા મુદ્દા હંમેશાં ઉઠાવતી રહીશ.