રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ કરાયું, વાયનાડમાં પેટાચૂંટણી એપ્રિલમાં યોજાવાની શક્યતા
લોકસભા સચિવાલયે નોટિફિકેશન જાહેર કરી
તેઓ કેરળના વાયનાડથી સાંસદ હતા
image : Twitter |
રાહુલ ગાંધી અને કોંગ્રેસની સાથે વિપક્ષ માટે એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. રાહુલ ગાંધીનું સાંસદ સભ્યપદ પદ લોકસભા સચિવાલયે રદ કરતાં આ મામલે નોટિફિકેશન જાહેર કરી દીધી છે. ગુરુવારે સુરતની કોર્ટે તેમને મોદી અટક પર કરેલી ટિપ્પણી મામલે માનહાનિના કેસમાં દોષિત જાહેર કરતાં બે વર્ષની સજા ફટકારી હતી અને તેમને 15 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો. ત્યારબાદ તેમને જામીન પણ અપાયા હતા. તેઓ કેરળના વાયનાડથી સાંસદ હતા. હવે આ મામલે કોંગ્રેસ તરફથી સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓ તરફથી ભાજપ સામે તીખા પ્રહારો થઈ રહ્યા છે. દરમિયાન સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, આગામી એપ્રિલમાં વાયનાડમાં પેટા ચૂંટણી થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ચૂંટણી પંચ આ મામલે વિચારી રહ્યું છે.
માનહાનિના કેસમાં બે વર્ષની સજા થઈ હતી
રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધીએ મોદી અટક વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ કારણે કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા. જો કે કોર્ટે એક મહિના માટે સજા પર રોક લગાવી હતી. જેનાથી તે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે પરંતુ તેમની સજા પર સ્ટે મૂકાયો નહોતો. . કોર્ટે તેમને જામીન પણ આપ્યા છે. રાહુલ ગાંધી આ મામલે કોઈ ઉપાય કરે તે પહેલા જ તેમને આંચકો આપતા લોકસભા સચિવાલય તરફથી આ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી હતી અને તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ, 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કોમન કેમ છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતાએ 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો.