રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ફસાતા કોંગ્રેસ લાલઘૂમ, કહ્યું - PM મોદીની સભાને કારણે ક્લિયરન્સ ન મળ્યું
Jharkhand Assembly Election 2024: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગોડ્ડામાં અટવાયું છે. એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ની મંજૂરી ન મળતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર અડધો કલાક ગોડ્ડામાં ઊભું રહ્યું હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીની સભાને કારણે રાહુલના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગોડ્ડાના બેલબડ્ડા ખાતે રોકવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યે હેલિકોપ્ટર માટે મંજૂરી ન મળવાને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ધારાસભ્યએ તેને ભાજપની ખોટી નીતિ ગણાવી છે.
આ પણ વાંચો: પાર્ટી પછી લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હતા યુવક-યુવતીઓ, BMW સાથે રેસ લગાવી અને ધડથી માથા અલગ થઈ ગયા
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને આજે (15મી નવેમ્બર) ઝારખંડના પ્રવાસ પર છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, 'જો પીએમ મોદીએ બંધારણ વાંચ્યું હોત તો તેમણે નફરત ફેલાવી ન હોત અને સમાજમાં વિભાજન ન કર્યું હોત.'
બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે થશે
ઝારખંડમાં તમામ રાજકીય પક્ષો હાલમાં ચૂંટણી મેદાનમાં છે. ઝારખંડમાં પહેલા તબક્કાનું મતદાન 13મી નવેમ્બરે થયું હતું, જેમાં 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન થયું હતું. બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે થવાનું છે, જેમાં 38 બેઠકો પર મતદાન થશે. જ્યારે બંને તબક્કાની ચૂંટણીનું પરિણામ 23મી નવેમ્બરે જાહેર કરવામાં આવશે.