'ભાજપે રચેલું ભય અને ભ્રમનું જાળું તૂટ્યું', પેટા ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધી થયા આક્રમક

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
'ભાજપે રચેલું ભય અને ભ્રમનું જાળું તૂટ્યું', પેટા ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધી થયા આક્રમક 1 - image


સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકની ભવ્ય જીત બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ રચેલું 'ભય અને ભ્રમ'નું જાળું તૂટી ગયું છે. આ પેટા ચૂંટણીના પરિણામોએ તે સ્પષ્ટ કરી નાખ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે ખેડૂતો, યુવાનો, મજૂરો, વેપારીઓ અને નોકરી કરતા લોકો સહિતના તમામ વર્ગો તાનાશાહીનો ખાતમો કરી ન્યાયનું શાસન સ્થાપિત કરવા માગે છે. પોતાના ભલા માટે અને બંધારણની રક્ષા કરવા માટે પ્રજા હવે સંપૂર્ણ રીતે ઈન્ડિ ગઠબંધનની સાથે છે.

ઈન્ડિ ગઠબંધનનું ધમાકેદાર પ્રદર્શન

મહત્વનું છે કે 13 બેઠકો પર યોજાયેલી આ પેટા ચૂંટણીના પરિણામોમાં ઈન્ડિ ગઠબંધનનું ધમાકેદાર પ્રદર્શન જોવા મળ્યું છે, જેની સામે ભાજપને ભારે નુકસાન થયું છે. આ 13માંથી 10 બેઠક ઈન્ડિ ગઠબંધનના ફાળે ગઈ છે, તો માત્ર બે જ સીટ ભાજપના ભાગમાં આવી છે. એક સીટ પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.

પહાડી રાજ્યોમાં કોંગ્રેસનો દબદબો

પહાડી રાજ્યોમાં કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં દેવભૂમિ ઉત્તરાખંડમાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી બંને બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. તો હિમાચલ પ્રદેશમાં પણ ધમાકેદાર પ્રદર્શ કરી ત્રણ સીટોમાંથી બે પર તો ભાજપે એક બેઠક પર જીત મેળવી છે. 

બંગાળમાં મમતાનો જાદુ છવાયો

આ સિવાય પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી ચારેય બેઠક જીતી લીધી છે. તો મધ્યપ્રદેશની એક બેઠક પર ભાજપ, બિહારની એક બેઠક પર અપક્ષ, પંજાબની એક બેઠક પર આપ અને તમિલનાડુની એક બેઠક પર ડીએમકેએ જીત હાંસલ કરી છે.


Google NewsGoogle News