રાહુલ ગાંધીના બોડી ડબલનો થઈ રહ્યો છે ઉપયોગ, 'ભારત જોડો ન્યાય યાત્રા' પર આસામ CMના ગંભીર આરોપ
- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન આસામમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનું એક રાજકીય કાવતરું હતું: CM હિમંતા બિસ્વા સરમા
ગુવાહાટી, તા. 25 જાન્યુઆરી 2024, ગુરૂવાર
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પોતાના બોડી ડબલનો ઉપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સીએમ સરમાએ કહ્યું કે, રાહુલ ગાંધી યાત્રા દરમિયાન પોતે નથી આવતા પરંતુ તેઓ યાત્રામાં પોતાના બોડી ડબલનો ઉપયોગ કરે છે. આસામના મુખ્યમંત્રીએ એક મીડિયા રિપોર્ટનો હવાલો આપતા આરોપ લગાવ્યો કે, ભારત જોડો ન્યાય યાત્રાની બસમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના બોડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો. એક ન્યૂઝ એજન્સી દ્વારા X હેન્ડલ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, આસામમાં એક મોટો સવાલ ઊભો થઈ ગયો છે કે, રાહુલ ગાંધીએ બોડી ડબલનો ઉપયોગ કર્યો છે.
હિમંતા બિસ્વા સરમાએ એક માડિયા રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે, બસમાં સામે જે રાહુલ ગાંધી દેખાય છે તે અસલી રાહુલ ગાંધી નથી. રાહુલ ગાંધી અંદરના એક રૂમમાં રહે છે જેમાં આઠ લોકો બેસે છે.
ન્યાય યાત્રા સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનું એક રાજકીય કાવતરું
એક નિવેદનમાં આસામના સીએમએ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન આસામમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનું એક રાજકીય કાવતરું હતું. આ ઉપરાંત સરમાએ ગુવાહાટીમાં દાવો કર્યો કે રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા દરમિયાન આસામના જે પણ ક્ષેત્રોમાંથી પસાર થયા તે તમામ ક્ષેત્રોમાં ભાજપની જીત થશે.
રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' પશ્ચિમ બંગાળમાં પ્રવેશી છે. ભારત જોડો ન્યાય યાત્રા આજે સવારે આસામથી કૂચ બિહાર પહોંચી હતી.