Get The App

ભાષણમાંથી શબ્દો હટાવતા રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકરને લખ્યો પત્ર, કહ્યું- 'આ લોકશાહીની વિરુદ્ધ'

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
Congress leader Rahul Gandhi addresses a press conference
Image : IANS

Rahul Gandhi Speech: સંસદમાં 18મી લોકસભા (Lok Sabha)ના પ્રથમ સત્રના છઠ્ઠા દિવસે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે આજે લોકસભાની કાર્યવાહીમાંથી રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ભાષણોમાંથી કેટલાક શબ્દો દૂર કરવામાં આવ્યા હતા. આ અંગે વિપક્ષ નેતાએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો.

રાહુલ ગાંધીએ સ્પીકરને લખ્યો પત્ર 

લોકસભાની કાર્યવાહીમાંથી ભાષણમાંથી કેટલાક શબ્દો હટાવવા સામે કોંગ્રેસ નેતાએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખતા કહ્યું કે 'મારા વિચારોને કાર્યવાહીમાંથી હટાવવા એ સંસદીય લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં મારા ભાષણના હાટાવી દીધેલા ભાગોને પુનઃસ્થાપિત કરવા જોઈએ.' કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું ભાષણ પણ આરોપોથી ભરેલું હતું, પરંતુ તેમના ભાષણમાંથી માત્ર એક જ શબ્દ હટાવવામાં આવ્યો હતો. આને લઈને કરવામાં આવેલો ભેદભાવ સમજની બહાર છે.'

મેં ગૃહમાં સત્ય રજૂ કર્યું : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે 'મેં ગૃહમાં સત્ય રજૂ કર્યું. સંસદમાં લોકો સાથે જોડાયેલા મુદ્દાને ઉઠાવવાનો દરેક સાંસદને અધિકાર છે. આને ધ્યાનમાં રાખીને જ મેં મારું ભાષણ આપ્યું હતું.' રાહુલ ગાંધીએ આજે સવારે એમ પણ કહ્યું હતું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની દુનિયામાં સત્ય ભૂંસી શકાય છે, પરંતુ વાસ્તવિકતામાં નહીં.' તો બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધીના પત્ર લખવા પર વળતો પ્રહાર કર્યો છે.

આ પણ વાંચો : સંસદમાં રાહુલના ભાષણ પર કાતર ચાલી, લોકસભાની કાર્યવાહીમાંથી હટાવાયા આ શબ્દો

ભાજપે શું કહ્યું?

રાહુલ ગાંધીના પત્ર પર કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જરે કહ્યું કે 'લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla)ને રાહુલ ગાંધીના ભાષણનો અમુક ભાગ હટાવવાનો અધિકાર છે.'  નોંધનીય છે કે સોમવારે (પહેલી જુલાઈ, 2024)ના રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન લોકસભામાં આપેલા રાહુલ ગાંધીના ભાષણના કેટલાક ભાગોને હટાવી દેવામાં આવ્યા છે. દૂર કરાયેલા અંશોમાં હિંદુઓ અને કેટલાક અન્ય ધર્મો પરની તેમની ટિપ્પણીઓનો સમાવેશ થાય છે.

ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ શું કહ્યું હતું

લોકસભામાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર દેશમાં હિંસા, નફરત અને ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો. આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે આ લોકો હિંદુ નથી કારણ કે તેઓ 24 કલાક હિંસાની વાત કરે છે. આના સિવાય કોઈ કામ નથી. ભાજપના લોકો અલ્પસંખ્યકો, મુસ્લિમો, શીખો અને ખ્રિસ્તીઓને ડરાવે છે, તેમના પર હુમલો કરે છે અને તેમની વિરુદ્ધ નફરત ફેલાવે છે, પરંતુ લઘુમતીઓ આ દેશ સાથે ખડકની જેમ મજબૂત રીતે ઉભો રહ્યો છે અને વિવિધ ક્ષેત્રોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.'

ભાષણમાંથી શબ્દો હટાવતા રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકરને લખ્યો પત્ર, કહ્યું- 'આ લોકશાહીની વિરુદ્ધ' 2 - image


Google NewsGoogle News