રાહુલ ગાંધીએ કમલા હેરિસને લખ્યો પત્ર, હાર બાદ પણ ચૂંટણી કેમ્પેઈનના કર્યા વખાણ
Rahul Gandhi Wrote Letter Kamala Harris: અમેરિકામાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે આ ચૂંટણીમાં હારેલા ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને રાહુલ ગાંધીએ પત્ર લખ્યો છે. જેમાં તમણે ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી અને તેમના ચૂંટણી અભિયાનની પ્રશંસા કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રમાં શું લખ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કમલા હેરિસને મોકલેલા પત્રમાં લખ્યું કે, "હું તમારા (કમલા હેરિસ) પ્રખર પ્રમુખપદ ચૂંટણી કેમ્પેઈન બદલ અભિનંદન આપવા માંગુ છું. તમે ચૂંટણી પ્રચારમાં જે સંદેશ આપ્યો છે તે બધાને સાથે લઈને ચાલવાનો છે. આશા છે કે આ સંદેશ સમગ્ર વિશ્વમાં શાંતિ શોધનારા લોકોને પ્રેરણા આપતો રહેશે.'
રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કરવામાં જો બાઈડેન પ્રશાસનની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે, 'જો બાઈડેન પ્રશાસન હેઠળ ભારત અને અમેરિકાએ વૈશ્વિક મહત્ત્વના મુદ્દાઓ પર સહયોગ ગાઢ બનાવ્યો છે. લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા અમારી મિત્રતાને માર્ગદર્શન આપતી રહેશે.'
આ પણ વાંચો: ટ્રમ્પનો 100 દિવસનો એજન્ડા, 1.30 કરોડ લોકોને અમેરિકાથી તગેડી મૂકાશે! ટેરિફ વૉર શરૂ થશે
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકાના ઉપપ્રમુખ તરીકેની કમલા હેરિસની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું છે કે, 'કમલા હેરિસને તેમના નિશ્ચય અને લોકોને એકસાથે લાવવાની પ્રતિબદ્ધતા માટે યાદ કરવામાં આવશે.'