વિધાનસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી શરૂ કરશે 'ભારત જોડો યાત્રા', જાણો ક્યાંથી થશે શરૂઆત
- આ અગાઉ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી કરી હતી
નવી દિલ્હી, તા. 07 નવેમ્બર 2023, મંગળવાર
Rahul Gandhi Padayatra: મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષે 2024માં લોકસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પાર્ટી કમર કસી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેના માટે 'ભારત જોડો યાત્રા'ની શરૂઆત કરી હતી અને કર્ણાટક ચૂંટણીમાં પાર્ટીને તેનો ફાયદો પણ મળ્યો. હવે એવી માહિતી મળી રહી છે કે, રાહુલ ગાંધી 'ભારત જોડો યાત્રા'નો બીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ કરી શકે છે.
કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે 'ભારત જોડો યાત્રા'ના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવી શકે છે. રાહુલ ગાંધી આ પહેલા મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી 13 નવેમ્બરના રોજ ભોપાલમાં પદયાત્રા કરશે.
મધ્ય પ્રદેશમાં રાહુલ ગાંધીના તાબડતોડ કાર્યક્રમ
વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને રાહુલ ગાંધીના આગામી કાર્યક્રમોની જો વાત કરીએ તો આવતી કાલે તેઓ છત્તીસગઢના અંબિકાપુરની મુલાકાતે છે. ત્યારબાદ 9 નવેમ્બરના રોજ તેઓ મધ્ય પ્રદેશના જબલપુરમાં, 10 નવેમ્બરના રોજ સતના અને 13 નવેમ્બરના રોજ ભોપાલમાં કાર્યક્રમ કરશે.
ગત 'ભારત જોડો યાત્રા'થી અલગ હશે આ વખતની યાત્રા
આ અગાઉ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી કરી હતી અને 30 જાન્યુઆરી 2023ના રોજ જમ્મુ-કાશ્મીરમાં પૂર્ણ કરી હતી. બીજી તરફ ભારત જોડો યાત્રા 2.0ની શરૂઆત આ જ વર્ષે ડિસેમ્બર મહિનાથી થઈ શકે છે જે આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલશે. એવી પણ માહિતી મળી રહી છે કે, આ યાત્રા છેલ્લી યાત્રા કરતા અલગ હશે. ગત વખતે રાહુલ ગાંધીએ પગપાળા યાત્રા કરી હતી જ્યારે આ વખતે તેઓ ક્યાંક પગપાળા તો ક્યાંક ગાડીઓ દ્વારા આ યાત્રાને પૂર્ણ કરશે.