રાહુલ ગાંધીની બે બેઠકની સસ્પેન્સનો અંત, રાયબરેલી પસંદ કરી, વાયનાડ પરથી પેટા-ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી
Rahul Gandhi Select Rae Bareli Seat : ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરાલાની વાયનાડ બેઠક પરના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર રાહુલ ગાંધીએ છેવટે એક બેઠકની પસંદગી કરી લીધી છે. આ ઉપરાંત આ બે બેઠકોમાંથી એક બેઠકની પેટા-ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી પેટા-ચૂંટણી લડશે
કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge )એ આજે મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી રાયબરેલીના સાંસદ રહેશે. આ દરમિયાન તેમણે વાયનાડ બેઠક છોડવાનો નિર્ણય કર્યા બાદ વાયનાડ બેઠકની પેટા-ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)ને ઉતારવાની પણ જાહેરાત કરી છે. ખડગેએ પ્રિયંકા ગાંધીના જૂના સ્લોગન ‘લડકી હૂં, લડ સકતી હૂં’નો ઉલ્લેખ કરી કહ્યું કે, તેઓ વાયનાડ (Wayanad)માંથી પેટા-ચૂંટણી લડશે. આમ કોંગ્રેસે એક જ દિવસમાં બે મોટી જાહેરાત કરી છે.
વાયનાડમાં છ મહિનામાં યોજાશે પેટા-ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ લોકસભા બેઠક પરથી જીતી ગયા બાદ તેમણે આ બંને બેઠકોમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી. તેમણે આ નિર્ણય માત્ર એક દિવસની અંદર લેવાનો હતો. કારણ કે, નિયમ મુજબ ચૂંટણી પરિણામો આવ્યા બાદ 14 દિવસની અંદર બેમાંથી એક બેઠક છોડવી ફરજીયાત છે. જો 14 દિવસમાં એક બેઠક પરથી રાજીનામું ન અપાય તો બંને બેઠકો ખાલી માની લેવામાં આવે છે. નિયમ મુજબ કોઈપણ સભ્યએ લોકસભા અધ્યક્ષને લેખિતમાં રાજીનામું આપવાનું હોય છે. ત્યારબાદ રાજીનામું આપ્યાના છ મહિનાની અંદર તે બેઠક પર પેટા-ચૂંટણી કરાવવાની જોગવાઈ છે. તેથી નિયમ મુજબ આગામી છ મહિનાની અંદર વાયનાડ બેઠક પર પેટા-ચૂંટણી યોજાશે. રાહુલ ગાંધીની રાયબરેલી લોકસભા બેઠક પરથી 3.90 લાખ મતોથી અને વાયનાડમાંથી 3.64 લાખ મતોથી જીત થઈ હતી.
રાહુલ ગાંધી બંને બેઠકો મુદ્દે મૂંઝવણમાં હતા
આ પહેલા રાહુલ ગાંધી આ બંને બેઠકો મામલે મૂંઝવણમાં હતાં. તેમણે ચૂંટણી પરિણામો બાદ વાયનાડની મુલાકાત લઈ જનતાનો આભાર માન્યો હતો અને તેમણે એવું પણ પૂછ્યું હતું કે, હું ક્યાંથી સાંસદ રહ્યું? તેમણે કહ્યું હતું કે, કઈ બેઠક છોડવી તે અંગે હું મૂંઝવણમાં છું. તેમણે એમ પણ કહી નાખ્યું હતું કે, ‘હું વચન આપું છું કે વાયનાડ અને રાયબરેલી બંને મારા નિર્ણયથી ખુશ થશે. તમારા બધા સમર્થન બદલ આભાર અને ટૂંક સમયમાં તમને મળવા પાછો આવીશ.’
અગાઉ ઈન્દિરા અને સોનિયા પણ બે બેઠકો પર જીત્યા હતા
નહેરુ-ગાંધી પરિવારમાંથી આવતા કોંગ્રેસી નેતા બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા હોય, તેવું પહેલીવાર બન્યું નથી. આવું પહેલા પણ થઈ ચુક્યું છે. ઈન્દિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધી, બંને બે બેઠકો પર ચૂંટણી જીત્યા છે. ખાસ વાત એ છે કે, જેમ રાહુલ દક્ષિણ ભારતની એક અને ઉત્તર ભારતની એક બેઠક પરથી ચૂંટણી જીત્યા છે, તેવી રીતે અગાઉ ઈન્દિરા અને સોનિયા પણ જીત્યા હતા.
‘ઈન્દિરા ગાંધી જ્યારે બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા હતા ત્યારે...’
25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધીના 21 મહિનાના સમયગાળા માટે ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન 1997માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ રાયરબરેલીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમણે 1980માં બે બેઠકો રાયબરેલી અને આંધ્રપ્રદેશની મેંડક (Mendak in Andhra Pradesh)માંથી લોકસભા ચૂંટણી લડી હતી અને બંને પર વિજય મેળવ્યો હતો. જીત બાદ બંને પરંપરાગત બેઠકોમાંથી એક બેઠક પસંદ કરવાની વાત આવી, તો તેમણે મેંડકની પસંદગી કરી હતી. ઈન્દિરાએ રાયબરેલી બેઠક પરથી લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
સોનિયાએ બે બેઠકો જીત્યા બાદ કંઈ પસંદ કરી?
ઈન્દિરા ગાંધીની જેમ સોનિયા ગાંધીએ 1999માં બે લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં તેમનો ઉત્તર પ્રદેશની અમેઠી (Amethi in Uttar Pradesh) અને કર્ણાટકની બેલ્લારી (Bellary in Karnataka) બેઠક, બંનેમાં જીત થઈ હતી. જ્યારે કોઈ એક બેઠક પરથી રાજીનામું આપવાની નોબત આવી તો તેમણે અમેઠીની પસંદગી કરી હતી. તેમણે અમેઠીની બેઠક રાખી અને બેલ્લારી બેઠક પરથી લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમના આ નિર્ણય પાછળ જીતના અંતરનું કારણ કહેવાયું હતું. તે વખતે એવો તર્ક અપાયો કે, અમેઠીમાં જીતનું અંતર બેલ્લારી કરતા વધુ હતું.