રાહુલ ગાંધી બનશે લોકસભાના વિપક્ષના નેતા : પ્રોટેમ સ્પીકરને મોકલાયું નામ
Rahul Gandhi Leader Of Opposition In Lok Sabha : લોકસભા ચૂંટણી-2024ના પરિણામો આવ્યા બાદ એનડીએની નવી સરકાર બની ગઈ છે. હવે લોકસભામાં વિપક્ષ તરફથી નેતા કોણ હશે?, તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. જોકે હવે આ ચર્ચા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે અને ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા જાહેર કરવામાં આવ્યા છે.
સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકરને લખ્યો પત્ર
દરમિયાન આજે (25 જૂન) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે એક બેઠક યોજાઈ હતી, જેમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું કે, ‘રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે. અમે કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લીધો છે. કોંગ્રેસ સંસદીય દળના ચેરપર્સન સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને જણાવ્યું છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બનશે.’
કમિટીના સભ્યોએ રાહુલના નામનો પ્રસ્તાવ પાસ કર્યો હતો
થોડા દિવસો પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સર્વસંમતિથી માંગણી કરાઈ હતી કે, રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બને. બેઠકમાં કોંગ્રેસ કમિટીના સભ્યોએ પ્રસ્તાવ પાસ કરી કહ્યું હતું કે, રાહુલ ગાંધીને જ લોકસભામાં પાર્ટીના નેતા બનાવવામાં આવે. જોકે લોકસભામાં વિપક્ષી નેતા તરીકે પોતાનું નામ મોકલતા પહેલા રાહુલ ગાંધીએ વિચારવાનો સમય માગ્યો હતો.
ખડગેએ શું કહ્યું ?
બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ‘હું આપ સૌને તે બાબત પર ધ્યાન આપવા માંગું છું કે, દેશમાં જ્યાં જ્યાં ભારત જોડો યાત્રા પહોંચી હતી, ત્યાં કોંગ્રેસની મત ટકાવારી અને કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે.’