‘મને વિચારવા તો દો...’, લોકસભામાં વિપક્ષના નેતા તરીકે CWCમાં મહોર પછી રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
‘મને વિચારવા તો દો...’, લોકસભામાં વિપક્ષના નેતા તરીકે CWCમાં મહોર પછી રાહુલ ગાંધીની પ્રતિક્રિયા 1 - image


CWC Meeting: લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કરવાની જવાબદારી કોણ સંભાળશે તે અંગે નિર્ણય લેવા કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ વતી વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બનાવવા માટે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. લગભગ તમામ સાંસદોએ આ પ્રસ્તાવને ટેકો જાહેર કર્યો હતો. 

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. CWCની બેઠક બાદ, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધીએ ચોક્કસપણે લોકસભામાં વિપક્ષના નેતા બનવું જોઈએ. તેઓ નીડર અને હિંમતવાન નેતા છે. તેઓ આંખમાં આંખ પરોવીને વાત કરી શકે છે. પ્રમોદ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધી મુદ્દાઓથી વાકેફ છે. આ અમારી વર્કિંગ કમિટીની  સર્વસંમતિ સાથે અપીલ છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું...? 

રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર હતા. તેમને જ્યારે આ મામલે કહેવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હું આ અંગે વિચારીશ. મને આ મામલે નિર્ણય કરવા સમય જોઇએ છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં આ મામલે પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો છે. આ બેઠકમાં કોંગ્રેસ તમામ દિગ્ગજો જોડાયા હતા.

રાહુલ ગાંધીએ દેશની જનતાનો અવાજ બનવું જોઈએ - નાના પટોલે

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે અમારી વર્કિંગ કમિટીની ઈચ્છા છે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા અને દેશની જનતાનો અવાજ બને. જેના આધારે તેઓને જનતા સમક્ષ સત્ય લાવવાની તાકાત મળશે.

હવે કોંગ્રેસ પાર્ટીનું પુનરુત્થાન શરૂ થયું છે - કે.સી. વેણુગોપાલ

આ સાથે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીના નેતા કે.સી. વેણુગોપાલે કહ્યું કે હવે કોંગ્રેસ પાર્ટીનું પુનરુત્થાન શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળવા વિનંતી કરી છે. સંસદની અંદર આ અભિયાનનું નેતૃત્વ કરવા માટે રાહુલ ગાંધી સૌથી યોગ્ય વ્યક્તિ છે.

દેશની લાગણી આજે વિપક્ષ સાથે - દીપેન્દ્ર હુડ્ડા

આ દરમિયાન હરિયાણાના કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે ભાજપને દેશના જનાદેશમાં ભલે સંખ્યાત્મક તાકાત મળી હોય, પરંતુ વિપક્ષને નૈતિક તાકાત આપવાનું કામ દેશવાસીઓએ કર્યું છે. દેશની લાગણી આજે વિપક્ષ સાથે છે. તેમણે કહ્યું કે જે રીતે રાહુલ ગાંધીએ દરેક વર્ગ માટે નિર્ભયતાથી લડાઈ લડી, મને લાગે છે કે તેઓ અભિનંદનને પાત્ર છે. અમે અપીલ કરીએ છીએ કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ જવાબદારી લેવી જોઈએ.


  ‘મને વિચારવા તો દો...’, લોકસભામાં વિપક્ષના નેતા તરીકે CWCમાં મહોર પછી રાહુલ ગાંધીની પ્રતિક્રિયા 2 - image


Google NewsGoogle News