બ્લૂ ટી શર્ટમાં રાહુલ, બ્લૂ સાડીમાં પ્રિયંકા ગાંધી... આંબેડકર વિવાદ વચ્ચે સંસદમાં દેખાવોમાં જોડાયા
Rahul Gandhi Blue T-shirt: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર મુદ્દે સંસદમાં કરેલી ટિપ્પણી બાદ સર્જાયેલા વિવાદ પર કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઈ રહી છે. દેશભરમાં આજે (19મી ડિસેમ્બર) કોંગ્રેસે અમિત શાહ અને ભાજપ સામે દેખાવ કરવાની જાહેરાત કરી છે. ત્યારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ સંસદમાં સૌનું ધ્યાન આકર્ષ્યું હતું.
શું છે મામલો?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે (19મી ડિસેમ્બર) સંસદમાં પહોંચ્યા તો તેમણે બ્લૂ રંગનું ટીશર્ટ પહેર્યું હતું. જ્યારે પ્રિયંકા ગાંધી પણ બ્લૂ રંગની સાડીમાં દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે બહુજન આંદોલન સાથે સંકળાયેલા સંગઠનો વાદળી (બ્લૂ) રંગનો ઉપયોગ તેમના ઝંડા અને અન્ય વસ્તુઓમાં કરે છે. બ્લૂ રંગને બહુજન આંદોલનના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે. એવામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આજે બ્લૂ રંગના કપડાં પહેરીને એક મોટો રાજકીય સંકેત આપવાનો પ્રયાસ કર્યો.
આંબેડકરજીનું ફરી અપમાન: કેસી વેણુગોપાલ
ડૉ. આંબેડકર અંગે કોંગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, 'આખા દેશના લોકો અમિત શાહ અને ભાજપના આ વલણથી દુ:ખી છે. બુધવારે અમે સંસદની અંદર અને બહાર આ મુદ્દો ઊઠાવ્યો હતો. અમે ડૉ. આંબેડકરની તસવીર બતાવી રહ્યા છીએ, તેમણે તે જગ્યાએ (જ્યોર્જ) સોરોસની તસવીર મૂકી છે. આ સ્પષ્ટપણે આંબેડકરજીનું ફરીથી અપમાન છે.'