વાયનાડ કે રાયબરેલી? રાહુલ ગાંધી માટે કઈ બેઠક છોડવી ફાયદાનો સોદો સાબિત થશે, જાણો
Lok Sabha Elections Result 2024 | રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો જીતી ગયા છે આ સંજોગોમાં તે કઈ બેઠક છોડશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. ચાર જૂનના રોજ પરિણામના દિવસે રાહુલ ગાંધીne આ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે હજુ સુધી કંઈ નક્કી નથી.
કેટલા અંતરથી જીત્યાં રાહુલ?
રાહુલ ગાંધી વાયનાડથી 3.90 લાખ અને રાયબરેલીથી 3.64 લાખ મતના અંતરથી ચૂંટણી જીતી ગયા છે. 2019માં રાહુલ ગાંધી 4 લાખ વોટથી ચૂંટણી જીત્યા હતા. 2009ના સીમાંકન બાદ જ્યાંથી વાયનાડ બેઠક બની છે ત્યારથી અહીં સતત કોંગ્રેસ જ જીતે છે. આ માટે જ વાયનાડ કોંગ્રેસ માટે સૌથી સુરક્ષિત બેઠકોમાંથી એક માનવામાં આવે છે. પરંતુ ચૂંટણીનો ઇતિહાસ જોવામાં આવે તો દક્ષિણ ભારત હંમેશા કોંગ્રેસ માટે બુસ્ટર ડોઝ સાબિત થયું છે. કટોકટી બાદ જ્યારે ઇન્દિરા ગાંધી ચૂંટણી હારી ગયા ત્યારે દક્ષિણ ભારત દ્વારા જ સત્તામાં પરત ફર્યા હતા.
અગાઉ વાયનાડથી જીત્યાં હતાં
સોનિયા ગાંધીની રાજકીય સફર પણ સાઉથ ઇન્ડિયાથી જ શરૂ થઈ હતી અને જ્યારે 2019માં રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી હારી ગયા ત્યારે તેમણે ચૂંટણી લડવા માટે વાયનાડને પસંદ કર્યું હતું. આટલું જ નહીં આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને જેટલી બેઠકો મળી છે તેમાંથી 42% બેઠકો દક્ષિણ ભારતમાંથી મળી છે.
રાયબરેલી કે વાયનાડ, કઈ બેઠક છોડશે રાહુલ?
2024માં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને બેઠકોથી જીતી ગયા છે. હવે તેમણે એક સીટ છોડવી પડશે. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે તેઓ કઈ બેઠક પરથી રાજીનામું આપશે. માનવામાં આવી રહ્યું છે કે જે સીટ વધારે મતથી જીત્યા હશે રાહુલ તે બેઠકથી સાંસદ બનશે. 1999માં પણ કોંગ્રેસે આ ફોર્મ્યુલા અપનાવી હતી. સોનિયા ગાંધી ત્યારે અમેઠીમાંથી ત્રણ લાખ મતથી જીતી ગયા હતા અને બેલ્લારીથી 56,000 વોટથી જીત્યા હતા. આ કારણે સોનિયા ગાંધીએ અમેઠીને પસંદ કર્યું હતું અને બેલ્લારી બેઠક છોડી દીધી હતી.
કઈ બેઠક છોડવી સારું?
રાહુલ ગાંધીએ આ વખતે વાયનાડથી મોટા અંતરે જીત મેળવી છે. અહીં તેમની જીતનું અંતર લગભગ ચાર લાખ મત છે. જોકે માનવામાં આવી રહ્યું છે કે પારિવારિક વિરાસતને કારણે રાહુલ ગાંધી વાયનાડ છોડી શકે છે. જોકે રાહુલ ગાંધી વાયનાડ છોડશે તો સાઉથ ઇન્ડિયામાં ખોટો સંદેશ જવાની પણ શક્યતા રહેલી છે. આ સંજોગોમાં ચર્ચા ચાલી રહી છે કે જો રાહુલ ગાંધી વાયનડ છોડી દેશે તો અહીંથી પ્રિયંકા ગાંધીને પેટા ચૂંટણી લડાવવામાં આવશે.