રાહુલ ગાંધી VS 7 મંત્રી...: સંસદમાં LoPના આરોપો પર દિગ્ગજ નેતાઓ જવાબ આપવા ઉતાર્યા
Parliament Controversy News: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે ગૃહમાં ભાજપ પર નફરત, હિંસા અને ઝૂઠ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ આ દરમિયાન મણિપુર, અગ્નીવીર, ખેડૂતોને મળતી MSP અને NEET જેવા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. LoP રાહુલ ગાંધીના આરોપો અને દાવાઓનો સરકાર તરફથી દિગ્ગજ મંત્રીઓએ જવાબ આપ્યો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન વિવિધ ધર્મોમાં અભય મુદ્રાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોઇપણ ધર્મ હિંસા કરવાનું શિખવતો નથી. તેમણે કહ્યું કે, શિવ પણ કહે છે કે ડરો મત, ડરાઓ મત પરંતુ જે લોકો પોતાને હિંદુ કહે છે તે 24 કલાક ફક્ત હિંસા-હિંસા-હિંસા, નફરત-નફરત-નફરત, અસત્ય-અસત્ય-અસત્ય કરે છે.
મોદી-શાહે વાંધો વ્યક્ત કર્યો
રાહુલ ગાંધીની ટિપ્પણી બાદ સત્તા પક્ષના અનેક સાંસદોએ તેમની ટીકા કરી હતી અને માફીની અપીલ કરી હતી. આ મામલે વડાપ્રધાન મોદી(PM Modi)એ પોતે વાંધો વ્યક્ત કરતા કહ્યું કે, વિષય ખૂબ જ ગંભીર છે. સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવું એ ખૂબ જ ગંભીર છે. કેન્દ્રિય મંત્રી અમિત શાહે (Amit Shah) પણ રાહુલ ગાંધીના આ નિવેદનનો વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ આ નિવેદન પર પોતાનો બચાવ કરતાં કહ્યું કે તેમણે આ નિવેદન ભાજપ-આરએસએસ અંગે કહ્યું છે.
અગ્નિવીર મુદ્દે રક્ષામંત્રીએ આપ્યો જવાબ
રાહુલ ગાંધીએ અગ્નિવીર મુદ્દે કહ્યું કે, જો કોઇ અગ્નિવીર શહીદ થઇ જાય છે તો ભારત સરકાર તેને શહીદ માનતી નથી, પરંતુ તેને અગ્નિવીર કહે છે, તેને પેંશન તેમજ શહીદનો બિરૂદ આપવામાં આવતો નથી. LoPના નિવેદનને ખોટું જણાવતા રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) કહ્યું કે, તેઓ ખોટા નિવેદન આપી ગૃહને ભટકાવી રહ્યા છે. જો કોઇ અગ્નિવીરનો જવાન શહિદ થાય છે તો તેના એક કરોડ રૂપિયાની પગાર સહાયતા રૂપે તેના પરિવારને આપવામાં આવે છે.
રાહુલ ગાંધીની અગ્નિવીર ટિપ્પણી પર કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજૂ (Kiren Rijiju)એ પણ ઉભા થઇને વિરોધ કરતા કહ્યું કે, LoP રક્ષામંત્રીના નિવેદનને ગંભીરતાથી નથી લઇ રહ્યા. તેમજ તેમણે રાહુલ ગાંધીને આ દાવાને સાબિત કરવા જણાવ્યું હતું.
MSP પર દાવો અને શિવરાજ ચૌહાણનો જવાબ
LoP રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, ભાજપ ખેડૂતોને આતંકવાદી કહે છે. તેમણે ખેડૂતોને યોગ્ય MSP આપવામાં ન આવતી હોવાનો દાવો પણ કર્યો હતો. આ દાવા પર કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chauhan) જવાબ આપતા કહ્યું કે, ખોટા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ઉત્પાદન ખર્ચ પર 50 ટકા ઉમેરીને ખેડૂતોને MSP આપવામાં આવી રહી છે અને આજે પણ MSP પર ખરીદી કરી શકાય છે.
રાહુલ ગાંધીના ભાષણની વચ્ચે કેન્દ્રીય મંત્રી લગાતાર તેમને નિયમ યાદ અપાવી રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ (Bhupendra Yadav) અને પ્રહલાદ જોશી (Prahalad Joshi) એ પણ રાહુલ ગાંધીને ગૃહની મર્યાદા બનાવી રાખવાની સલાહ આપી અને નિયમ મુજબ પોતાની વાત રાખવાની અપીલ કરી.
રાહુલ ગાંધીની મણિપુર પર ટિપ્પણી
રાહુલ ગાંધીએ પોતાના નિવેદનને આગળ વધારતા કહ્યું કે, પ્રજાથી રાજ્યો છીનવી લેવાયા છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ પાસેથી રાજ્યનો દરજ્જો છીનવી લેવાયો. મણિપુરને ગૃહયુદ્ધમાં ગરકાવ કરી દીધો. મણિપુરને તમે અને તમારી યોજનાઓએ જલાવી દીધો છે.