‘ઘરમાં રહે, ભોજન રાંધે અને ઓછું બોલે...' મહિલાઓ વિશે RSS-BJPના વિચાર આવા છે: રાહુલ ગાંધી

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
‘ઘરમાં રહે, ભોજન રાંધે અને ઓછું બોલે...' મહિલાઓ વિશે RSS-BJPના વિચાર આવા છે: રાહુલ ગાંધી 1 - image


Image Source: X

Rahul Gandhi On RSS And BJP: લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે. તેમણે અમેરિકાના ડલાસમાં ટેક્સાસ યુનિવર્સિટી (University of Texas)માં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી અને RSS પર પણ નિશાન સાધ્યુ હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, RSSનું માનવું છે કે, ભારત એક વિચાર છે અને અમારું માનવું છે કે, ભારત વિચારોની બહુવિધતા છે. અમારું માનવું છે કે, તમામ લોકોને તેમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ, સપના જોવાની મંજૂરી આપવી જોઈએ અને તેમની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા કે ઇતિહાસની પરવાહ કર્યા વિના તેમને સ્થાન આપવું જોઈએ. 

તેમણે કહ્યું કે, ચૂંટણીમાં આ લડાઈ વધુ સ્પષ્ટ થઈ ગઈ જ્યારે ભારતના લાખો લોકોને એ સમજાઈ ગયું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે. મેં તમને જે પણ કહ્યું તે બધું બંધારણમાં છે. આધુનિક ભારતનો પાયો બંધારણ છે. 

રાહુલ ગાંધીએ ભારતીય મહિલાઓની વાત કરતાં કહ્યું કે, હું મહિલા સશક્તિકરણમાં વિશ્વાસ રાખું છું. એ સુનિશ્ચિત કરવું કે મહિલાઓને બિઝનેસમાં તક મળે અને જો તેઓ ખુદનો બિઝનેસ શરુ કરવા માગે તો તેમને આર્થિક મદદ કરવી અને મહિલાઓ માટે ભાગીદારીને સરળ બનાવવી જોઈએ. મહિલાઓ પાસે અનેક મુદ્દા છે. જેને આપણે તેમની ભાગીદારીને સક્ષમ કરવા માટે સંબોધિત કરવાની જરૂર છે. પ્રથમ પગલું એ કે, મહિલાઓને પુરુષ સમાન જોવી, એ સ્વીકાર કરવો કે, તેઓ એ બધું જ કરી શકે છે જે એક પુરુષ કરી શકે છે અને તેમની તાકાત ઓળખવી. 

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, આ ભાજપ અને અમારી વચ્ચે વૈચારિક સંઘર્ષનો હિસ્સો છે. ભાજપ અને RSSનું માનવું છે કે, મહિલાઓને પરંપરાગત ભૂમિકાઓ સુધી જ સીમિત રાખવી જોઈએ જેમ કે, ઘરમાં રહેવું, ભોજન રાંધવુ અને ઓછું બોલવું. અમારું માનવું છે કે, મહિલાઓને એ બધું કરવાની આઝાદી મળવી જોઈએ જે તેઓ કરવા માગે છે. 

રાહુલ ગાંધીએ ભાજપ વિશે શું કહ્યું?

કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે, લોકો ચૂંટણીમાં એક વાત સ્પષ્ટ રીતે સમજી ગયા અને મેં જોયું કે, જ્યારે હું બંધારણનો મુદ્દો ઉઠાવતો હતો ત્યારે લોકોને સમજી જતા હતા કે હું શું કહી રહ્યો છું. તેઓ કહી રહ્યા હતા કે, ભાજપ અમારી પરંપરા પર હુમલો કરી રહ્યો છે, અમારી ભાષા પર હુમલો કરી રહ્યો છે, અમારા રાજ્યો પર હુમલો કરી રહ્યો છે અને અમારા ઇતિહાસ પર હુમલો કરી રહ્યો છે. 

રાહુલ ગાંધીએ ભાર મૂકતા કહ્યું કે, સૌથી મહત્ત્વની વાત એ છે કે, જનતાને એ સમજાઈ ગયું કે, જે કોઈ પણ ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે તે અમારી ધાર્મિક પરંપરા પર પણ હુમલો કરી રહ્યા છે.  


Google NewsGoogle News