Get The App

રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીથી નારાજ થયા! બેઠક અધવચ્ચે છોડી ગયાનો સૂત્રોનો દાવો

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi


Maharashtra Assembly Elections 2024: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી મુદ્દે નારાજ હોવાની ચર્ચા છંછેડાઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક શુક્રવારે દિલ્હી પાર્ટી હેડક્વાર્ટરમાં મળી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર,રાહુલ ગાંધી બેઠકમાંથી અધવચ્ચે જ નીકળી ગયા હતા. મહાવિકાસ અઘાડી (MVA) સહયોગી શિવસેના (ઉદ્ધવ જૂથ)ને કોંગ્રેસ પાર્ટીની પકડ હેઠળની સીટો ફાળવી દેવાથી તે નારાજ હોવાની ચર્ચા છે. 

કયા કારણોસર રાહુલ નારાજ? 

સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ વિદર્ભ અને મુંબઈ જેવા વિસ્તારોમાં કોંગ્રેસની મજબૂત અને ખાસ કરીને અનામત બેઠકો શિવસેના (યુબીટી)ને આપવાના મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત, તે એવા ઉમેદવારોના નામથી પણ નારાજ હતા જે સ્ક્રીનીંગ કમિટીએ સીઈસીને આપ્યા હતા. તેમણે કહ્યું કે, 'આ નામ રાજ્યના ઘણાં નેતાઓ પ્રત્યે પક્ષપાતની લાગણી પેદા કરે છે.'

આ પણ વાંચો: જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષકારોને ઝટકો, સંપૂર્ણ પરિસરનો સરવે કરાવવાની માગ કોર્ટે ફગાવી

રાહુલ ગાંધી શું માને છે? 

રાહુલ ગાંધીનું માનવું છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ સીટ વહેંચણી પર વાતચીત દરમિયાન તેમની ભૂમિકા યોગ્ય રીતે ભજવી ન હતી. તેમણે નારાજગી વ્યક્ત કરી અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક અધવચ્ચે છોડી દીધી. હાઈકમાન્ડે મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાલાસાહેબ થોરાટને MVA સાથી શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે વિદર્ભ અને મુંબઈ બેઠકો અંગે વાતચીત કરવાની જવાબદારી સોંપી હતી.

મહાવિકાસ અઘાડીમાં હજુ બેઠક સમજૂતી એક કોયડો! 

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે, પરંતુ મહાવિકાસ અઘાડી બેઠકની વહેંચણી પર સર્વસંમતિ સાધી શકી નથી. કોંગ્રેસ, ઉદ્ધવ સેના અને શરદ પવારની પાર્ટીએ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય પક્ષોએ 85-85 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે અને બાકીની 33 બેઠકો પર પણ નિર્ણય હજુ લેવાનો બાકી છે. જો કે, બાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે બેઠકની વહેંચણી પર ત્રણ MVA પક્ષો વચ્ચે કોઈ સહમતિ સધાઈ નથી.

રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીથી નારાજ થયા! બેઠક અધવચ્ચે છોડી ગયાનો સૂત્રોનો દાવો 2 - image


Google NewsGoogle News