‘PM ચૂંટણી બોન્ડ કૌભાંડના માસ્ટરમાઈન્ડ, પકડાઈ જતા આપ્યો ઈન્ટરવ્યૂ’ મોદી પર રાહુલ ગાંધીનો કટાક્ષ
Lok Sabha Elections 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં ચૂંટણી બોન્ડનો ઉલ્લેખ કરી કોંગ્રસ અને વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યા બાદ કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પણ વળતો જવાબ આપ્યો છે. રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી બોન્ડ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘તેઓ પકડાઈ ગયા બાદ હવે ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે. આ વિશ્વની સૌથી મોટી બળજબરીથી વસૂલાતી યોજના છે અને વડાપ્રધાન તેને માસ્ટરમાઈન્ડ છે.’
બોન્ડ આપનારા વિરુદ્ધની CBI તપાસ પરત ખેંચી લેવાઈ : રાહુલનો આક્ષેપ
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘પીએમને પૂછો કે, એક દિવસ સીબીઆઈની તપાસ શરૂ થાય છે અને ત્યારબાદ તુરંત તેમને (ભાજપ) નાણાં મળે છે. પછી સીબીઆઈ તપાસ પુરી કરી દેવામાં આવે છે. કંપની નાણાં આપે છે અને ત્યારબાદ તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. ઈલેક્ટ્રોરલ બોન્ડ (Electoral Bond Scam)માં સૌથી મહત્વની બાબત નામ અને તારીખ છે. જો તમે નામ અને તારીખો જોશો તો ખ્યાલ આવશે કે, ચૂંટણી ફંડ આપનારાઓએ દાન આપ્યા બાદ તેમને તુરંત કોન્ટ્રાક્ટ અપાયા હતા અથવા તો તેમના વિરુદ્ધ સીબીઆઈ તપાસ પરત લઈ લેવાઈ હતી.’
વડાપ્રધાને શું કહ્યું હતું ?
ઈન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ રદ્દ કરવા પર કહ્યું કે, ‘જ્યારે આ મામલે તેઓ (વિપક્ષ) ઈમાનદારીથી વિચારશે તો બધાને પસ્તાવો થશે. રાહુલ ગાંધી અને વિપક્ષના નેતાઓએ ઈલેક્ટોરલ બોન્ડમાં ધાંધલીના આક્ષેપ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ઈલેક્ટોરલ બોન્ડથી તમામને નાણાંની ટ્રેલ મળી છે. આના કારણે કોણે, ક્યાં અને કેવી રીતે નાણાં આપ્યા, તે તમામનો જવાબ મળ્યો છે.’ તેમણે ચૂંટણી બોન્ડ અંગે ખોટું ફેલાવનાર વિપક્ષની ટીકા કરી હતી. જેના જવાબમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પડકાર ફેંક્યો હતો કે, ‘તેઓ જણાવે કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓના રડારમાં આવ્યા પછી તરત જ કેટલીક કંપનીઓએ ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને કેવી રીતે દાન આપ્યું.’