રાહુલ ગાંધીએ અચાનક કાફલો રોકાવી ખરીદી ખાસ મીઠાઇ, ભાવુક થઈ ગયા દક્ષિણના આ નેતા, જુઓ વીડિયો
Image: Facebook
Lok Sabha Elections 2024: રાજકારણમાં ક્યાંક સંબંધો બને છે તો ક્યાંક તૂટે છે. અમુક રાજ્યોમાં ક્યારેક વિરોધી રહેનાર લોકો નજીક આવી જાય છે તો અમુક વખતે પહેલેથી જ સારા ચાલી રહેલા સંબંધો વધુ સારા થઈ જાય છે. આવુ જ કંઈક કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની વચ્ચે છે. આ જ કારણસર રાહુલ ગાંધીએ 12 એપ્રિલે ડીએમકે ચીફ એમ.કે. સ્ટાલિન માટે મૈસૂર પાક ખરીદ્યો.
તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાના વ્યસ્ત શેડ્યૂલથી સમય કાઢીને મૈસૂર પાક ખરીદ્યો. તેનો વીડિયો કોંગ્રેસે એક્સ પર શેર કર્યો. કોંગ્રેસ નેતાએ આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો. તેના કેપ્શનમાં રાહુલે લખ્યુ, 'તમિલનાડુમાં પ્રચાર અભિયાનમાં મિઠાસનો સ્પર્શ જોડીને પોતાના ભાઈ થિરુ સ્ટાલિન માટે મૈસૂર પાક ખરીદ્યો'.
મૈસૂર પાક ખરીદવા પહોંચેલા રાહુલ ગાંધીનો વીડિયો
કોંગ્રેસના સત્તાવાર હેન્ડલથી શેર કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ એક ડિવાઈડર પાર કરીને મૈસૂર પાક ખરીદવા માટે દુકાનમાં જઈ રહ્યા છે. તે દુકાનના માલિક અને ત્યાં કામ કરતા વર્કર્સ સાથે પણ મુલાકાત કરે છે. જે બાદ રાહુલ ગાંધી મૈસૂર પાકની વેરાઈટીને લઈને પ્રશ્ન કરે છે અને પછી ઘણી મિઠાઈ પણ ચાખે છે. વીડિયોના અંતમાં તે રૂપિયા આપીને મિઠાઈ ખરીદે છે. કોંગ્રેસ નેતાએ દુકાનમાં કામ કરનાર મહિલાઓ સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા.
સ્ટાલિનનું રાહુલ ગાંધી અંગે નિવેદન
કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવેલા રાહુલ ગાંધીના વીડિયો પર તમિલનાડુ સીએમ સ્ટાલિનની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું, 'હુ મારા ભાઈ રાહુલ ગાંધીના આ પ્રેમભાવથી પ્રભાવિત અને અભિભૂત છુ. 4 જૂને ઈન્ડિયા ગઠબંધન તેમને મીઠી જીત જરૂર અપાવશે'. લોકસભા ચૂંટણી 2024 હેઠળ પહેલા તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થવાની છે જ્યારે પરિણામની જાહેરાત 4 જૂને થશે. ડીએમકે કોંગ્રેસની સાથે વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનનો ભાગ છે.