પ્રસાદને અપવિત્ર કરવાના સમાચાર ચિંતાજનક, તિરુપતિ લાડુ વિવાદ પર રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા
Rahul Gandhi Statement On Tirupati Laddu Controversy: આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના લાડુ માટે વપરાતા ઘીમાં ફીશ ઓઈલ અને પ્રાણીઓની ચરબી હોવાની પુષ્ટિ થયા બાદ રાજકારણ ગરમાયું છે. આંધ્ર પ્રદેશ સરકારે દાવો કર્યો છે કે જે ઘીમાંથી લાડુ બનાવવામાં આવે છે તેમાં ભેળસેળ સામે આવી છે. આ ભેળસેળ અગાઉની સરકાર વખતે આપવામાં આવેલા ઘી માટેના કોન્ટ્રાક્ટના કારણે આવી છે. હવે આ અંગે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદને અપવિત્ર કરવાના સમાચાર ખૂબ જ ચિંતાજનક છે. ભહવાન બાલાજી ભારત અને વિશ્વભરના લાખો ભક્તો માટે પૂજનીય દેવતા છે. આ મુદ્દો દરેક ભક્તોને ઠેસ પહોંચાડશે અને તેના પર ઉંડાણ પૂર્વક વિચાર કરવાની જરૂર છે. ભારતભરના અધિકારીઓએ આપણા ધાર્મિક સ્થળોની પવિત્રતાની રક્ષા કરવી જોઈએ.
The reports about the defilement of the Prasad at Sri Venkateshwara temple in Tirupati are disturbing.
— Rahul Gandhi (@RahulGandhi) September 20, 2024
Lord Balaji is a revered deity for millions of devotees in India and across the world. This issue will hurt every devotee and needs to be thoroughly looked into.
Authorities…
દેશભરના સનાતનીઓમાં આક્રોશ
હકીકતમાં લાડુ બનાવવા માટે વપરાતા ઘી પર લાગેલા આરોપો પર કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને તપાસ બાદ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. પરંતુ આ ખુલાસા બાદ એક તરફ દેશભરના સનાતનીઓમાં આક્રોશ લાગણી જોવા મળી રહી છે. ભોપાલ જેવા કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ થયા છે. સુપ્રીમ કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી અરજીઓ આપવામાં આવી રહી છે. બીજી તરફ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર પણ ચાલુ છે. ભાજપના નેતાએ ગુનેગારોને ફાંસીની સજા આપવાની માગ કરી છે. કોંગ્રેસે સીએમ નાયડુ પર સવાલ ઉઠાવ્યા છે કે સીએમએ ત્રણ મહિના સુધી ખુલાસો કેમ ન કર્યો.
જગન મોહન રેડ્ડીએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
કોંગ્રેસે CBI તપાસની પણ માગ કરી છે. તો જગન મોહન રેડ્ડીએ કહ્યું છે કે ચંદ્રબાબુ નાયડુએ 100 દિવસની નિષ્ફળતા છુપાવવા માટે પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. આંધ્ર પ્રદેશમાં સરકાર બદલાતા જ 12 જૂનના રોજ ડ તિરુપતિ મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીનું પરીક્ષણ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસ રિપોર્ટ 23 જૂન સુધીમાં તૈયાર થઈ ગયો હતો પરંતુ તે અંગે ખુલાસો સપ્ટેમ્બર મહિનામાં થયો જ્યારે નાયડુ સરકારે 100 દિવસ પૂરા કર્યા. જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં જે વસ્તુઓ મળી છે તે દર્શાવે છે કે તેલીબિયાં અને શાકભાજી સિવાય ઘીમાં ફીશ ઓઈલ અને પ્રાણીઓની ચરબી હોઈ શકે છે. આ તપાસ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે NDDBના સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઈન લાઈવસ્ટોક એન્ડ ફૂડ એટલે કે CALF લેબમાં કરવામાં આવી હતી.