મારું નિવેદન મને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તેનાથી મને કોઈ ફરક પડતો નથી: રાહુલ ગાંધી
Rahul Gandhi Big Statement: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે (30 જાન્યુઆરી) કહ્યું કે, જો તેમની પાર્ટીએ દલિતો, પછાત અને અત્યંત પછાત વર્ગોનો વિશ્વાસ જાળવી રાખ્યો હોત, તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ક્યારેય સત્તામાં ન આવી શકી હોત. 'દલિત ઇન્ફ્લુએન્સર્સ'ને સંબોધતાં તેમણે એમ પણ કહ્યું કે તેઓ તેમના પક્ષમાં 'આંતરિક ક્રાંતિ' લાવશે અને વંચિત વર્ગના લોકોને સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવશે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'મને એ સ્વીકારવામાં કોઈ સંકોચ નથી કે 1990ના દાયકાથી, કોંગ્રેસ વંચિત વર્ગોના હિતોનું રક્ષણ તે રીતે કરી શકી નથી જે રીતે તેને કરવું જોઈતું હતી. જો આપણે દલિતો, પછાત અને અત્યંત પછાત વર્ગોનો વિશ્વાસ જાળવી રાખ્યો હોત, તો RSS ક્યારેય સત્તામાં ન આવ્યું હોત... ઇન્દિરા ગાંધીના સમયમાં, સંપૂર્ણ વિશ્વાસ અકબંધ હતો. દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓ બધા જાણતા હતા કે ઇન્દિરાજી તેમના માટે લડશે.'
તેમણે કહ્યું, '1990 પછી વિશ્વાસ ઘટી ગયો. કોંગ્રેસે આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે... કોંગ્રેસે તમારા હિતોનું રક્ષણ એ રીતે કર્યું નથી જે રીતે કરવું જોઈએ. આ નિવેદન મને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તેનાથી મને કોઈ ફરક પડતો નથી કારણ કે તે સત્ય છે.'
લોકસભામાં વિપક્ષના નેતાએ દલિત સમુદાયના લોકોને કહ્યું, 'પહેલા કોંગ્રેસમાં આંતરિક ક્રાંતિ લાવવી પડશે જેમાં અમે તમને (સંગઠનમાં) સામેલ કરીશું.' તેમણે દાવો કર્યો કે ભારતની શિક્ષણ પ્રણાલી ક્યારેય દલિતો અને પછાત લોકોના હાથમાં નથી રહી. વર્તમાન માળખામાં દલિતો અને પછાત વર્ગોની સમસ્યાઓનો ઉકેલ આવવાનો નથી કારણ કે ભાજપ અને RSSએ સમગ્ર વ્યવસ્થા પર કબજો જમાવી લીધો છે.'
તેમણે કહ્યું કે, 'દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો માટે 'બીજી આઝાદી' આવવાની છે જેમાં તેમણે માત્ર રાજકીય પ્રતિનિધિત્વ માટે જ નહીં પરંતુ સંસ્થાઓ અને કૉર્પોરેટ જગતમાં પણ હિસ્સો લેવો પડશે.'