'જાતિગત વસ્તી ગણતરી પાસ કરાવીશું, અનામતમાં 50 ટકાની મર્યાદા તોડીશું', રાહુલ ગાંધીનું મોટું નિવેદન
Rahul Gandhi Statement on Caste Census : તેલંગાણામાં કોંગ્રેસ સરકારે શનિવારે (9 નવેમ્બર, 2024) રાજ્યની પહેલી જાતિ-આધારિત સર્વેક્ષણ શરૂ કર્યું છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ દેશમાં એક વ્યાપક જાતિ વસ્તી ગણતરી નથી કરાવવા ઈચ્છતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'X' પર એક પોસ્ટમાં લખ્યું કે, મોદી જી, આજથી તેલંગાણામાં જાતિગત વસ્તી ગણતરી શરૂ થઈ ચૂકી છે. તેનાથી મળનારા ડેટાનો ઉપયોગ આપણે રાજ્યના દરેક વર્ગના વિકાસ માટે નીતિઓ બનાવવામાં કરીશું. ટુંક સમયમાં આ મહારાષ્ટ્રમાં પણ થશે, સૌને ખબર છે કે ભાજપ દેશમાં એક વ્યાપક જાતિ વસ્તી ગણતરી નથી કરાવવા ઈચ્છતું.
વધુમાં કહ્યું કે, હું મોદીજીને સ્પષ્ટ કહેવા માગું છું કે, તમે દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી રોકી ન શકો. અમે આ સંસદમાં જાતિગત વસ્તી ગણતરીને પાસ કરીને દેખાડીશું અને અનામત પરથી 50 ટકાની મર્યાદા તોડી નાખીશું.
5 નવેમ્બરે કોંગ્રેસે કરી હતી તેલંગાણામાં બેઠક
જણાવી દઈએ તેલંગાણા સરકારે શનિવારે જાતિગત વસ્તી ગણતરી શરૂ કરી દીધી છે. આગામી કેટલાક અઠવાડિયામાં 80 હજાર ગણતરી કરનારા દ્વારા 33 જિલ્લાના 1.17 કરોડથી વધુ ઘરોનો સર્વે કરાવાશે. આ પહેલા તેલંગાણામાં કોંગ્રેસે 5 નવેમ્બરે જાતિ સર્વેક્ષણ પર એક બેઠક કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. તેમણે જાતિગત વસ્તી ગણતરીને સમગ્ર રીતે પાર પાડવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું હતું કે, એક પગલું પાર્ટીના રાષ્ટ્રીય દૃષ્ટિકોણનો હિસ્સો છે. કોંગ્રેસનો ઉદ્દેશ્ય ભારતીય સમાજમાં સમતાવાદી વ્યવસ્થાની દિશામાં એક બદલાવ લાવવાનો છે.