દોઢ ગણી MSP લાગુ કરી દેવું માફ કરે કેન્દ્ર સરકાર: ખેડૂત આંદોલનના સમર્થનમાં બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi On Farmer Movement : પંજાબ અને હરિયાણા બોર્ડરની શંભુ બોર્ડર પર ખેડૂતોની દિલ્હી તરફની કૂચ અટકાવી દેવામાં આવી છે. 101 જેટલા ખેડૂતોનું ટોળું આજે શુક્રવારે ચાલીને દિલ્હી જવા રવાના થયું છે. પરંતુ તેમને થોડા જ મીટરના અંતરમાં રોકી દેવામાં આવ્યાં છે. હરિયાણા પોલીસે આ ખેડૂતોને આગળ જતા રોક્યા હતા. જેમાં અંબાલા જિલ્લા પ્રશાસને કોઈપણ સ્થળે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ કર્યો છે. આ દરમિયાન હરિયાણા બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલાએ હવે રાજકીય મોડ લીધો છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 'ખેડૂતો પોતાની માગ સરકાર સામે રાખવા અને પોતાની પીડા વ્યક્ત કરવા માટે દિલ્હી જવા ઇચ્છે છે. જેમાં ખેડૂતો પર ટીયરગેસ છોડવાની સાથે અલગ-અલગ રીતે રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારે ખેડૂતોની માગ અને સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવી જોઈએ. અન્નદાતાઓની તકલીફનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે, આજે દેશમાં દર કલાકે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. મોદી સરકારની અતિસંવેદનશીલતાને કારણે પહેલા ખેડૂત આંદોલનમાં 700થી વધુ ખેડૂતોની શહાદતને દેશ ભૂલી શક્યો નથી.'
તેમણે આગળ લખ્યું હતું કે, 'અમે ખેડૂતોના દર્દને સમજીએ છીએ અને તેમની માગને સમર્થન આપીએ છીએ. સરકારે સ્વામીનાથન કમિશનની ભલામણો મુજબ MSPની કાયદેસર ગેરંટી, MSP 1.5 ગણી, ખેતીની વ્યાપક કિંમત, લોન માફી સહિતની તમામ માંગણીઓ તાત્કાલિક અમલમાં મૂકવી જોઈએ. જ્યારે અન્નદાતા ખુશ થશે ત્યારે જ દેશ ખુશ થશે.'
શું છે ખેડૂતોની માંગણીઓ?
તમને જણાવી દઈએ કે ખેડૂતોની કેટલીક માંગણીઓ છે, જેમાં MSP ગેરંટીનો કાયદો બનાવવો, સ્વામીનાથન કમિશનના રિપોર્ટ પર કિંમત નક્કી કરવી, ખેડૂતોની લોન માફી, જમીન સંપાદન અધિનિયમ 2013નો ફરીથી અમલ, વિદ્યુત સુધારા બિલ 2020ને રદ કરવો, તપાસનો સમાવેશ થાય છે. લખીમપુર ખેરી ઘટનાના દોષિતોને સજા, આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂત પરિવારોને વળતર અને આ મુદ્દે કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને રાજ્યસભામાં બોલવાની માગ કરવામાં આવી છે.