Get The App

'પોકળ દાવાની જગ્યાએ નક્કર કાર્યવાહી કરજો...' રાહુલ ગાંધીએ ગૃહમંત્રી શાહ જોડે કરી ચર્ચા

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
'પોકળ દાવાની જગ્યાએ નક્કર કાર્યવાહી કરજો...' રાહુલ ગાંધીએ ગૃહમંત્રી શાહ જોડે કરી ચર્ચા 1 - image


Pahalgam Terror Attack : કાશ્મીરમાં સબ સલામતના સરકારના દાવા વચ્ચે આતંકવાદીઓ બેફામ બન્યા છે. જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર તાજેતરમાં સૌથી મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. પર્યટકો માટે જાણીતા પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકોના નામ પૂછ્યા, ધર્મ જાણ્યો અને પછી તેમને ગોળી ધરબી દીધી. આ ઘાતકી હુમલામાં અત્યાર સુધીમાં 28થી વધુ પર્યટકો માર્યા ગયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ત્યારે હવે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે, 'મેં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તારિક કર્રા સાથે ચર્ચા કરી અને આ હુમલાની સ્થિતિની લેટેસ્ટ જાણકારી લીધી છે.'

રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ અને અમે અમારા બધાનું સંપૂર્ણ સમર્થન તેમની સાથે છે.' તેમણે આ હુમલાની સખત નિંદા કરતા તેને હૃદયદ્રાવક અને કાયરતાપૂર્ણ ગણાવ્યો.

કોંગ્રેસે સરકાર પાસેથી જવાબદારીની કરી માગ

કોંગ્રેસ પાર્ટીએ મંગળવારે સરકારને આ હુમલાની જવાબદારી લેવાની અને સ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવાથી બચવાની માગ કરી.  પાર્ટીએ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવા અને ભવિષ્યની રણનીતિ ઘડવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની પણ માગ કરી.


આ હુમલો માનવતા પર કલંક

કોંગ્રેસે આ આતંકવાદી હુમલાને માનવતા પર કલંક ગણાવ્યો અને કહ્યું કે તેની અસરકારક પ્રતિક્રિયા જરૂરી છે. પાર્ટીએ કહ્યું કે, 'સરકારે આ મામલે નક્કર અને નિર્ણાયક પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.'

આ પણ વાંચો: પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા, મૃતકાંક વધીને 28એ પહોંચ્યો

ઓમર અબ્દુલ્લાએ કરી નિંદા

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબદુલ્લાએ આ આતંકવાદી હુમલાને તાજેતરના વર્ષોમાં નાગરિકોને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા સૌથી મોટા હુમલામાંથી એક ગણાવ્યો છે. તેમણે આ હુમલાને 'મોટી અને ગંભીર ત્રાસદી' ગણાવી. 

રાહુલ ગાંધીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

રાહુલ ગાંધીએ આ ભયાક હુમલા અંગે કહ્યું કે, 'પ્રવાસીઓની આ રીતે હત્યા અને ઘાયલ થવું એક હૃદયદ્રાવક અને અત્યંત નિંદનીય ઘટના છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.'


રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, 'આખો દેશ આતંકવાદ સામે એકજૂટ છે. મેં સરકારને અપીલ કરી કે તમે પોકળ દાવાઓથી આગળ વધીને ગ્રાઉન્ડ લેવલ પર નક્કર પગલાં ઉઠાવો જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ ભારતીયને પોતાનો જીવ ન ગુમાવવો પડે.'

આ પણ વાંચો: હુમલા અંગે ઈનપુટ હતા છતાં સુરક્ષા એજન્સીઓ શું કરતી હતી? પહલગામ નરસંહાર મામલે ઊઠ્યાં સવાલ

સાઉદીનો પ્રવાસ પડતો મૂકી પાછા આવ્યા પીએમ મોદી 

આ હુમલા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ અધવચ્ચે જ છોડીને આજે સવારે સ્વદેશ પરત ફર્યા. દિલ્હી ઍરપોર્ટ પર જ NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવે પીએમ મોદીને પહલગામ હુમલા અંગે માહિતી આપી. મંગળવારે પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી જ કાશ્મીરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.

Tags :