mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

‘હિંદુ’ મુદ્દે રાહુલ ગાંધીએ એવું તો શું કહ્યું, જવાબ આપવા વડાપ્રધાન મોદી ઊભા થઈ ગયા?

Updated: Jul 1st, 2024

Rahul Gandhi parliament Speech


Rahul Gandhi Speech in parliament : સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ખેડૂતો, અગ્નિવીરથી માંડીને નીટ પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો. પાંચમા દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ પરીક્ષાનો મુદ્દો ઉઠાવતાં ચર્ચાની માંગ કરી હતી. વિપક્ષના હંગામાના કારણે લોકસભાની કાર્યવાહી ચાલી શકી ન હતી. રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. વિપક્ષી સભ્યોએ સદનમાંથી વૉકઆઉટ કર્યો હતો. 

24 કલાક હિંસા-હિંસા-હિંસા અને નફરત-નફરત-નફરત

રાહુલ ગાંધીએ ચર્ચાની શરૂઆત કરી અને બંધારણના બહાને મોદી સરકાર પર ચાબખા મારવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ભાષણની શરૂઆત બંધારણની કોપી હાથમાં લઇને કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપ્યું જેથી હંગામો મચી ગયો. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘મોદીજીએ પોતાના ભાષણમાં એક દિવસ કહ્યું કે હિંદુસ્તાને ક્યારેય કોઇના પર હુમલો કર્યો નથી. તેનું કારણ છે, હિંદુસ્તાન અહિંસાનો દેશ છે, આ ડરતો નથી. આપણા મહાપુરૂષોએ સંદેશ આપ્યો છે-  ડરો મત, ડરાવો મત. શિવજી કહે છે- ડરો મત, ડરાવો મત અને ત્રિશૂલને જમીનમાં દાટી દે છે. બીજી તરફ જે લોકો પોતાને હિંદુ કહે છે તે 24 કલાક હિંસા-હિંસા-હિંસા, નફરત-નફરત-નફરત કરે છે. તમે હિંદુ છો જ નહી. તમે હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યનો સાથ આપવો જોઇએ.’  

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘દેશમાં નફરત અને ભયનો માહોલ ન હોવો જોઈએ. તમે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા છો, અમે તે સ્વીકારીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ.’ 

રાહુલની વાત સાંભળી ઊભા થઇ ગયા PM મોદી, અમિત શાહ ભડક્યા

આ અંગે વડાપ્રધાન મોદીએ ઊભા થઇને વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે ‘આખા હિંદુ સમાજને હિંસક કહેવો ગંભીર બાબત છે.’ 

બીજી તરફ, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ‘વિપક્ષના નેતાએ આ મુદ્દે માફી માંગવી જોઇએ. આ ધર્મ પર કરોડો લોકો ગર્વથી હિંદુ કહે છે. હું તેમને રિકવેસ્ટ કરુ છું કે ઇસ્લામમાં અભય મુદ્રા પર એકવાર તે ઇસ્લામિક વિદ્વાનોની સલાહ લે. શું રાહુલ ગાંધી કહેવા માંગે છે કે દેશના કરોડો હિંદુ હિંસક છે? શું નેતા પ્રતિપક્ષ માફી માંગશે? હિંસાને કોઇ ધર્મ સાથે જોડવો ખોટું છે. રાહુલે દેશની માફી માંગવી જોઇએ.’ 

'તમે નિયમથી બોલી રહ્યા નથી', સ્પીકરની રાહુલ ગાંધીને ટકોર 

આ દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ટકોર કરતા કહ્યું કે ‘તમે નિયમ-કાયદાથી બોલી રહ્યા નથી. તમે પોતે શિવને ભગવાન ગણો છો. તમે વારંવાર તેમનું નામ લઇ રહ્યા છો, ફોટા લહેરાવી રહ્યા છો. તમે નિયમ મુજબ બોલી રહ્યા નથી.’ બીજી તરફ, ભૂપેન્દ્ર યાદવે નિયમ બતાવતાં વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે ‘જ્યારે કોઇ સભ્ય સ્પીકરના સંજ્ઞાનમાં આવ્યા બાદ પણ વારંવાર આમ કરી રહ્યો છે તો તમે તેને બોલતાં રોકી શકો છો.’  

હેમંત સોરેન અને કેજરીવાલ જેલમાં છે, આ વાત ડિસ્ટર્બ કરે છે

રાહુલ ગાંધીએ સરકાર પર રોજગારને ખતમ કરવાનો આરોપ લગાવતાં કહ્યું કે ‘તમે સરકારી ક્ષેત્રનું ખાનગીકરણ કરી રહ્યા છે. અહીં કોંગ્રેસ પાર્ટી નથી, વિપક્ષના નેતા તરીકે દરેક નાના પક્ષનું નેતૃત્વ કરી રહ્યો છું. હેમંત સોરેન અને કેજરીવાલ જેલમાં છે, આ વાત પણ મને ડિસ્ટર્બ કરે છે.’ 

ભાજપમાં આંતરિક સ્તરે ભય છે, લોકતંત્ર હોવું જોઈએ 

રાહુલ ગાંધીએ સત્તા પક્ષ તરફ ઇશારો કરતાં કહ્યું કે ‘તમારા પક્ષમાં અંદરખાને ડર છે. રાજકીય પક્ષોમાં પણ આંતરિક સ્તરે લોકતંત્ર હોવું જોઇએ. હું તો અહીં જે બોલવાનું છે, તે બોલી દઉં છું.’ 

તમે દરેક વ્યક્તિ માટે ડરનું પેકેજ આપ્યું છે  

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘તમે દરેક વ્યક્તિ માટે ડરનું પેકેજ આપ્યું. રોજગાર તો તમે ખતમ કરી દીધો. હવે નવી ફેશન નીકળી છે નીટ. એક પ્રોફેશનલ સ્કીમને તમે કોમર્શિયલ સ્કીમમાં ફેરવી દીધી. ગરીબ વિદ્યાર્થી મેડિકલ કોલેજ જઇ શકતો નથી. આખી એક્ઝામ અમીર બાળકો માટે બનાવી. સાત વર્ષમાં 70 પેપર લીક થયા છે. પ્રેસિડેન્ટ એડ્રેસમાં ના તો પેપર લીકની વાત થશે ના તો અગ્નિવીરની. અમે એક દિવસની ચર્ચાની માંગ કરી, સરકારે કહ્યું- ના આવું થઇ શકે નહી.’ 

'તમે ખેડૂતોની વાત નથી કરતાં, તેમને આતંકી ગણાવો છો'

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ખેડૂતો માટે અમે જે જમીન સંપાદન બિલ બનાવ્યું હતું તે યોગ્ય વળતર અપાવવા માટે હતું. તમે તેને રદ કરી દીધું.’ એ વખતે સત્તા પક્ષ તરફથી ઓથેન્ટિકેટ કરવાની માગ પર રાહુલે કહ્યું કે ‘એ પણ કરી દઈશું. ખેડૂતોને ડરાવવા માટે તમે ત્રણ કાયદા લાવ્યા. વડાપ્રધાને કહ્યું કે આ કાયદા ખેડૂતોના ફાયદા માટે છે. જોકે સત્ય તો એ હતું કે અંબાણી - અદાણીને ફાયદો પહોંચાડવા માટે આ કાયદા લવાયા હતા. ખેડૂતો માર્ગો પર ઉતરી ગયા, તમે ખેડૂતો સાથે વાત પણ ના કરી. તમે એમને ગળે ન લગાવ્યા. ઉલટાનું તમે એ લોકોએ આતંકી ગણાવ્યા. તમે કહો છો કે આ બધા આતંકી છે.’ ત્યારે રાહુલ ગાંધીને અટકાવતા અમિત શાહે કહ્યું કે ‘આ મામલાને ઓથેન્ટિક કરો.’ ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘અમે ખેડૂતો માટે ગૃહમાં મૌન રાખવાની વાત કરી પણ સત્તા પક્ષની એ પણ ના થયું.’ 

અગ્નિવીર યુઝ એન્ડ થ્રો મજૂર યોજના છે 

રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના વિશે એક અગ્નિવીરની શહીદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘નરેન્દ્ર મોદી તેમને શહીદ નથી કહેતા. અગ્નિવીરોના પરિવારના સભ્યોને પેન્શન નહીં મળે. સામાન્ય સૈનિકને પેન્શન મળશે, સરકાર તેની મદદ કરશે પરંતુ અગ્નિવીરને સૈનિક નથી ગણતી. અગ્નિવીર એક યૂઝ એન્ડ થ્રો મજૂર બની ગયો છે. તમે યુવાનો અને સૈનિકો વચ્ચે વિભાજન પેદા કરી રહ્યા છો અને પછી પોતાને દેશભક્ત કહો છો. આ કેવા દેશભક્ત છો? ’

આ સેનાની સ્કીમ નથી, પીએમનું બ્રેઈન ચાઈલ્ડ છે

અગ્નિવીર મુદ્દે રાહુલ ગાંધી આટલેથી ના અટક્યા. તેમણે કહ્યું કે ‘આખો દેશ જાણે છે કે આ સેનાની સ્કીમ છે. સેના જાણે છે કે આ સ્કીમ સેનાની નથી, પરંતુ પીએમનું બ્રેઇન ચાઇલ્ડ છે. અમારી સરકાર આવશે તો અમે હટાવી દઇશું. અગ્નિવીર જવાનો વિરૂદ્ધ, સેનાના વિરૂદ્ધ છે.’ આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વાંધો વ્યક્ત કરીને રાહુલ ગાંધીના નિવેદનને રેકોર્ડ પરથી હટાવવાની માગ કરી.’ 

લખી રાખજો, ગુજરાતમાં આ વખતે હરાવીશું

સંસદમાં રાહુલ ગાંધીએ ગુજરાતને પણ યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે ‘ઇનકમ ટેક્સ, ઇડી બધા નાના વેપારીઓની પાછળ પડ્યા રહે છે, જેથી અરબપતિઓનો રસ્તો સાફ થઇ જાય. હું ગુજરાત ગયો હતો, ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીવાળાએ જણાવ્યું કે અબજપતિઓનો રસ્તો સાફ કરવા માટે જીએસટી લાવવવામાં આવ્યો.’ ત્યારે કોઈએ કહ્યું કે ‘ગુજરાત પણ જાઓ છો કે નહી?’  ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘જાઉં છું, અને લખી રાખજો, આ વખતે અમે ગુજરાતમાં તમને હરાવીશું.’ 

દેશમાં પહેલીવાર કોઈનું સ્ટેટહુડ છીનવાઇ ગયું

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ભારતમાં પહેલીવાર કોઈ રાજ્યનો દરજ્જો છીનવી લેવાયો. જમ્મુ-કાશ્મીરે દરજ્જો ગુમાવ્યો. અમે મણિપુરનો મુદ્દો ઊઠાવ્યો અને કહ્યું કે વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ માટે આ મણિપુર જાણે ભારતનો હિસ્સો છે જ નહીં. અમે મણિપુર ગયા અને વડાપ્રધાનને અપીલ કરી કે તમે પણ મણિપુર જાઓ અને તેને બચાવો. તો પણ તેમના તરફથી કોઈ જવાબ ન આવ્યો.’ 


Gujarat