જ્યાં ભાજપના સૂપડાં સાફ થવાના હતા ત્યાં નવા વૉટર્સના નામ જોડાઈ ગયા: રાહુલ ગાંધી
Rahul Gandhi Slams Government in Parliament : સંસદના ચાલુ બજેટ સત્રનો આજે (3 ફેબ્રુઆરી) ત્રીજો દિવસ છે. આ સત્રના ત્રીજા દિવસે આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશ સામેના પડકારો પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે આરએસએસ, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો તેમજ મુખ્ય ચૂંટણી અધિકારીની પસંદગી મામલે સરકારને ઘેરી હતી.
દેશના પડકારો અંગે ચર્ચા કરી
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'એક બાજુ આપણે જાતિગત વસ્તી ગણતરી, એસસી-એસટી, ઓબીસીની ભાગીદારી વધારવાની દિશામાં પ્રયાસ કરવાના હતા. જ્યારે બીજી બાજુ વૈશ્વિક ક્રાંતિમાં સહયોગ આપીને ચીનના પડકારોનું ઉકેલ લાવવાની જરૂર હતી. જો અત્યારે દેશમાં 'ઇન્ડિ' ગઠબંધનની સરકાર હોત તો રાષ્ટ્રપતિના સંબોધનમાં આ બાબતોનું ઉલ્લેખ કરવામાં આવ્યું હોત.'
આ પણ વાંચોઃ પ્રજાએ તમને ટેબલ તોડવા નથી મોકલ્યા: વિપક્ષના હોબાળાથી નારાજ થયા સ્પીકર ઓમ બિરલા
રાહુલ ગાંધી અને સ્પીકર વચ્ચે તકરાર
રાહુલ ગાંધીએ સંસદની ચર્ચા દરમિયાન સંઘના પ્રમુખ મોહન ભાગવત પર પ્રહાર પણ કર્યા હતા, તેમણે બંધારણની નકલ બતાવીને કહ્યું કે, 'દેશમાં આનું (બંધારણનું) શાસન ચાલશે.' આ વાત પર લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ રાહુલ ગાંધીને અટકાવીને કહ્યું હતું કે, 'જે વ્યક્તિ ગૃહના સભ્ય નથી, તેમના નામે ચર્ચા ના કરો.' આ દરમિયાન રાહુલ ગાંધી અને લોકસભા સ્પીકર વચ્ચે તકરાર જોવા મળી હતી.
મહારાષ્ટ્ર ચૂંટણીનો ઉલ્લેખ કર્યો
આ દરમિયાન રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની જીત થઇ હતી. ત્યાર બાદ, વિધાનસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની કુલ વસ્તી જેટલા મતદારોને મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા. લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રમાં 70 લાખ નવા મતદારો ઉમેરાયા હતા. પાંચ વર્ષ કરતા છેલ્લા પાંચ મહિનામાં વધુ મતદારોને એડ કરાયા. શિરડીમાં એક જ બિલ્ડિંગમાંથી અચાનક સાત હજાર મતદારોને મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.'
ચૂંટણી પંચ અંગે શું બોલ્યા?
આ અંગે વધુમાં તેમણે કહ્યું કે, 'હું કોઇ આરોપ લગાવી રહ્યો નથી. ફક્ત આટલું કહું છું કે કંઇક ગરબડ છે. લોકસભા ચૂંટણી બાદ અચાનક ચમત્કારિક રીતે આટલા બધા મતદારો કઇ રીતે વધી શકે છે. અમે ચૂંટણી પંચથી લોકસભાની મતદાર યાદી, નામ અને એડ્રેસ આપવાની માંગ કરી હતી. નવા મતદાર મોટા ભાગે એ ભાગમાં ઉમેરાયા જ્યાં ભાજપની સ્થિતિ કમજોર હતી. અમારી પાસે આ અંગે ડેટા છે. ચૂંટણી અધિકારીની પસંદગી વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસે કરવાની હતી, ચીફ જસ્ટિસને હટાવીને ષડયંત્ર ઘડવામાં આવ્યું.'
નોંધનીય છે કે, બજેટ સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના સંબોધન સાથે થઈ હતી, તે જ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. જયારે પહેલી ફેબ્રુઆરીએ તેમણે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું.