‘ભાજપ સરકારમાં મુસ્લિમો પર હુમલા થઈ રહ્યા છે’ હરિયાણા-મહારાષ્ટ્રની ઘટના મુદ્દે રાહુલ ગાંધીની પોસ્ટ
Rahul Gandhi Slams BJP: હરિયાણાના ચરખી-દાદરી અને મહારાષ્ટ્રના ધુલેની ઘટનાઓ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી દેશમાં લઘુમતિઓ પર થઇ રહેલા હુમલાઓની નિંદા કરી હતી અને ભાજપ સરકાર પર સત્તા માટે ધૃણા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ધૃણાને રાજકીય હથિયાર બનાવી સત્તાની સીઢી ચઢનારાઓ સમગ્ર દેશમાં સતત ભયનો શાસન સ્થાપિત કરી રહ્યા છે. ભીડના વેશમાં છુપાયેલા નફરતી તત્વો કાયદાના શાસનને પડકાર આપતા જાહેરમાં હિંસા ફેલાવી રહ્યા છે. ભાજપ સરકાર તરફથી આ ઉપદ્રવીઓને ખુલ્લી છુટ મળેલી છે, જેથી તેમનામાં આવું કરવાની હિંમત જન્મે છે. લઘુમતિઓ ખાસ કરીને મુસ્લિમો પર સતત હુમલા થઇ રહ્યા છે અને સરકારી તંત્ર મૂક દર્શક બની જોઇ રહ્યું છે.'
વધુમાં તેમણે કહ્યું કે, 'આવા અરાજક તત્વો સામે કડક કાર્યવાહી કરીને કાયદાનું શાસન સ્થાપિત કરવું જોઈએ. ભારતની સાંપ્રદાયિક એકતા અને ભારતના લોકોના અધિકારો પર કોઈપણ હુમલો એ બંધારણ પર હુમલો છે, જેને અમે બિલકુલ સાંખી લઈશું નહીં. ભાજપ ગમે તેટલો પ્રયાસ કરે, અમે કોઈપણ કિંમતે નફરત સામે ભારતને એક કરવાની આ ઐતિહાસિક લડાઈ જીતીશું.'
શું હતી હરિયાણાની ઘટના?
હરિયાણાના ચરખી-દાદરી જિલ્લામાં 27 ઓગસ્ટે ગૌરક્ષક દળના લોકોએ પશ્ચિમ બંગાળના પ્રવાસી મજૂર સાબિર મલિકની સખત માર મારીને હત્યા કરી હતી. ત્યાર બાદ પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ઘટના હાલ ખૂબ જ ચર્ચામાં છે અને લોકો આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ હરિયાણા ભાજપના ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં વિલંબનું કારણ શું?, સમજો 90 બેઠકનું ગણિત
શું હતી મહારાષ્ટ્રની ઘટના?
મહારાષ્ટ્રના ધુલે એક્સપ્રેસમાં બીફ લઇ જવાની શંકામાં કેટલાક લોકોએ એક વૃદ્ધ યાત્રીને માર માર્યો હતો. ધુલેમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધ અશરફ અલી સૈયદ તેમની દિકરીથી મળવા જલગાંવથી કલ્યાણ જઇ રહ્યા હતા. આ દરમિયાન પીડિત પાસે થોડુક સામાન હતો, પરંતુ કેટલાક યાત્રીઓને શંકા થઇ કે તેમના સામાનમાં બીફ છે, જે બાદ લોકો વૃદ્ધને ગાળો ભાંડવા લાગ્યા હતા આ ઉપરાંત કેટલાક લોકોએ તેમને માર મારી અને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.