વિપક્ષના નેતા હોવા છતાં રાહુલ ગાંધીનું સ્થાન પાછલી હરોળમાં કેમ? સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કારણ
(Image - Screengrab) |
Independence Day 2024: દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ લાલકિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેઓ પાછળની હરોળમાં બેઠા હોવાથી રાજકીય વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા અને આવા કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા કરવાની જવાબદારી સંરક્ષણ મંત્રાલયની છે. જેથી આ અંગે સંરક્ષણ મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલયે આપી સ્પષ્ટતા
આ મુદ્દે સ્પષ્ટતા કરતા સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ માટે આગળની હરોળમાં બેસવાની વ્યવસ્થા કરાઈ હતી. જો કે રાહુલ ગાંધીએ જ ઓલિમ્પિક ખેલાડીઓની સાથે બેસવાની માગ કરી હતી. તેથી તેમના બેસવાની વ્યવસ્થા ત્યાં કરાઈ હતી. જો કે પ્રોટોકોલ મુજબ વિપક્ષના નેતાને આગળની હરોળમાં બેસાડવામાં આવે છે.
10 વર્ષ પછી પહેલીવાર આવું થયું!
આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સામેલ થતા જ દસ વર્ષ પછી વિપક્ષનો કોઈ નેતા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર યોજાતા સત્તાવાર સમારંભમાં જોડાયો હતો. કારણ કે, વર્ષ 2014 અને 2019માં ભાજપનો બહુમતીથી વિજય થયો હતો. આ દરમિયાન કોઈ પણ વિપક્ષ વિપક્ષી નેતાના બંધારણીય પદે રહેવા માટે જરૂરી બેઠકોની સંખ્યાએ પહોંચી શક્યો નહોતો.
આ પણ વાંચો: ગગનયાનના એસ્ટ્રોનોટ્સને કેવી કઠોર ટ્રેનિંગ અપાય છે, જુઓ ISROએ શેર કર્યો જોરદાર VIDEO
રાહુલ ગાંધી ઓલિમ્પિક ખેલાડીઓ સાથે બેઠા
સૂત્રોના જણાવ્યાનુસાર, રાહુલ ગાંધીએ સામાન્ય લોકો સાથે બેસવાની માગ કરી હોવાથી તેઓ ઓલિમ્પિક ખેલાડીઓ સાથે બેઠા હતા. રાહુલ ગાંધી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના સભ્ય લલિત ઉપાધ્યાય રાહુલની બરાબર બાજુમાં બેઠા હતા. તેમજ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, વિદેશ મંત્રી એસ. જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને શિવરાજસિંહ ચૌહાણ આગળની હરોળમાં બેઠા હતા.
10 વર્ષ બાદ વિપક્ષના નેતા જોડાયા
લોકસભામાં વિપક્ષના નેતાનું પદ 2014 થી 2024 સુધી ખાલી રહ્યું હતું. આ સમય દરમિયાન કોઈપણ વિરોધ પક્ષ પાસે આ પદ સંભાળવા માટે પૂરતા સાંસદો નહોતા જેના કારણે આ પદ ખાલી હતું. જો કે, તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની બેઠકોની સંખ્યા 99 પર પહોંચી ગયા બાદ 25 જૂન, 2024ના રોજ રાહુલ ગાંધીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: કોરોના બાદ વધુ એક મહામારીનો દુનિયાને ખતરો! WHOએ ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી
PMએ 11મી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર સતત 11મી વખત લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને ઇમાનદારી સાથે ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ભ્રષ્ટાચારીઓના કથિત વખાણ કરવાના વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી.