રાહુલ ગાંધીની કર્ણાટકમાં 'રોહિત વેમુલા ઍક્ટ' લાગુ કરવાની અપીલ, CM સિદ્ધારમૈયાને લખ્યો પત્ર
Rahul urges to Enact Rohith Vemula Act: વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના મુખ્યમંત્રીને રાજ્યમાં રોહિત વેમુલા કાયદો લાગુ કરવાની અપીલ કરતો પત્ર લખ્યો છે. તેમણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખી સરકારને રોહિત વેમુલા ઍક્ટ નામનો કાયદો ઘડવા આહ્વાન કર્યું છે. આ કાયદાનો ઉદ્દેશ શિક્ષણ પ્રણાલીમાં જાતિ આધારિત ભેદભાવ દૂર કરવાનો છે. પોતાના પત્રમાં રાહુલ ગાંધીએ ભારત રત્ન ડૉ. બી આર આંબેડકરનો પણ ઉલ્લેખ કર્યો છે.
આંબેડકર સાથે પણ થયો હતો ભેદભાવ
રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું હતું કે, બાબા સાહેબ આંબેડકરે પણ પોતાના જીવનકાળ દરમિયાન જાતિગત ભેદભાવનો સામનો કર્યો હતો. એક વખત તેમણે ભોજન વિના જ ઊંઘવુ પડ્યું હતું, કારણકે, લોકોએ તેમને અછૂત માની પાણી આપવાનો પણ ઇન્કાર કર્યો હતો. આંબેડકર પોતે જણાવે છે કે, તેમની પાસે પર્યાપ્ત ભોજન હતું. ભૂખ લાગી હતી. તેમ છતાં તેઓ ભૂખ્યા સૂવા મજબૂર બન્યા હતા. શાળામાં તેમને પોતાના ગુણોના આધારે સહવિદ્યાર્થીઓ સાથે બેસવાની મંજૂરી ન હતી. તેમને ખૂણામાં બેસાડવામાં આવતા હતા.
આ પણ વાંચોઃ મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી
રોહિત જેવા મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓની હત્યા અસ્વીકાર્ય
રાહુલ ગાંધીના મતે, આંબેડકરને જે સહન કરવું પડ્યું તે શરમજનક હતું. ભારતમાં કોઈ પણ બાળક સાથે આવું ન થવું જોઈએ. આજે આપણા માટે શરમજનક વાત છે કે દેશની શિક્ષણ વ્યવસ્થામાં દલિત, આદિવાસી અને ઓબીસી સમુદાયના લાખો વિદ્યાર્થીઓને જાતિ આધારિત ભેદભાવનો સામનો કરવો પડે છે. 16 એપ્રિલે લખાયેલા આ પત્રમાં રાહુલ લખે છે કે રોહિત વેમુલા, પાયલ તડવી અને દર્શન સોલંકી જેવા મહત્ત્વાકાંક્ષી યુવાનોની હત્યા અસ્વીકાર્ય છે. આ ગુનો કરનારાની સામે કડક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.
શિક્ષણ પ્રણાલીમાં આજે પણ જાતિગત ભેદભાવ
રાહુલ ગાંધીએ લખ્યું કે, હું કર્ણાટકમાં રોહિત વેમુલા કાયદો લાગુ કરવાની અપીલ કરું છું. જેથી કોઈપણ બાળકે ડૉ. આંબેડકર, રોહિત વેમુલા સહિત લાખો લોકોએ સહન કરેલા ઘા ઝેલવા ન પડે. હાલમાં જ હું સંસદમાં દલિત, આદિવાસી અને ઓબીસી સમુદાયોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળ્યો હતો. વાતચીત દરમિયાન કૉલેજ અને યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ થઈ રહ્યો હોવાની જાણકારી મળી હતી.
2016માં થયું હતું વેમુલાનું મોત
બકોલમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, બાબા સાહેબ આંબેડકરે જણાવ્યું હતું કે, શિક્ષણ જ એકમાત્ર એવું સાધન છે. જેની મદદથી વંચિત પણ સશક્ત બની શકે છે. જાતિ વ્યવસ્થાને તોડી શકાય છે. જો કે, દુર્ભાગ્યવશ દાયકાઓ બાદ પણ આપણી શિક્ષણ પ્રણાલીમાં જાતિગત ભેદભાવ સામેલ છે. હૈદરાબાદમાં અભ્યાસ કરનારા રોહિત વેમુલાએ જાતિગત ભેદભાવના કારણે આપઘાત કર્યો હતો.