'પક્ષપાત અને ઉતાવળમાં કાર્યવાહી કરી..' સંભલમાં હિંસા મામલે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર
Rahul Gandhi On UP Sambhal: ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદમાં રવિવારે સરવેથી નારાજ લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી દેતા મોટી બબાલ થઇ હતી. ભીડને વેર વિખેર કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસનો મારો ચલાવાયો હતો. તેમજ પોલીસે જણાવ્યું કે આ હિંસા દરમિયાન ગોળીબાર અને પથ્થરમારામાં ચાર લોકોના મોત થયા હતા અને કુલ 20 લોકો ઘાયલ થયા હતા.
રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા
આ મામલા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે X પર લખ્યું છે કે, 'ઉત્તર પ્રદેશ સંભલના તાજેતરના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે.'
યુપીના સંભલમાં હિંસામાં ભાજપ સરકાર સીધી રીતે જવાબદાર: રાહુલ ગાંધી
આ અંગે રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું હતું કે, 'તમામ પક્ષોને સાંભળ્યા વિના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને અસંવેદનશીલતાથી વાતાવરણ ખરાબ થયું અને ઘણા લોકોના મોત થયા - જેના માટે ભાજપ સરકાર સીધી રીતે જવાબદાર છે. ભાજપનો સત્તાનો ઉપયોગ હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો છે. તેઓ રાજ્ય કે દેશના હિતમાં કામ કરતા નથી.'
સુપ્રીમ કોર્ટને વહેલી તકે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, 'હું સુપ્રીમ કોર્ટને વિનંતી કરું છું કે આ મામલે વહેલી તકે હસ્તક્ષેપ કરે અને ન્યાય કરે. મારી અપીલ છે કે શાંતિ અને પરસ્પર સૌહાર્દ જાળવી રાખો. આપણે સૌએ સાથે મળીને એ સુનિશ્ચિત કરવું પડશે કે ભારત સાંપ્રદાયિકતા અને નફરતના નહીં પણ એકતા અને બંધારણના માર્ગે આગળ વધે.'
સંભલ જિલ્લામાં 30 નવેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હિંસા બાદ વધેલા તણાવને ધ્યાનમાં રાખીને સંભલ તહસીલમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તેમજ સોમવારે ધોરણ 12 સુધીની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય જિલ્લામાં ભારતીય ન્યાયિક સંહિતા 163 હેઠળ 30 નવેમ્બર સુધી પ્રતિબંધિત આદેશ લાદવામાં આવ્યો છે. જે અંતર્ગત 30મી નવેમ્બર સુધી જિલ્લામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.