ભારત જોડો બાદ હવે ભારત 'ડોજો' યાત્રા કરશે રાહુલ ગાંધી, ખાસ વીડિયો શેર કરીને જુઓ શું કહ્યું
Rahul Gandhi Martial Arts training: 29 ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે રાહુલ ગાંધીએ પણ તેમની ભારત જોડો યાત્રા દરમિયાનનો એક વીડિયો એક્સ પર શેર કર્યો છે. જેમાં તેઓ માર્શલ આર્ટ્સ કરતા દેખાઇ રહ્યા છે. વીડિયોના કેપ્શનમાં તેમણે જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા દરમિયાન તેઓ દરરોજ માર્શલ આર્ટ્સની પ્રેક્ટિસ કરતા હતા, જેમાં તેમની સાથે અન્ય કેટલાક લોકો પણ સામેલ હતા અને ભારત જોડો યાત્રા બાદ હવે તેઓ 'ભારત ડોજો યાત્રા' શરૂ કરવાના છે.
પોસ્ટમાં શું લખ્યું?
રાહુલ ગાંધીએ એક્સ પર શેર કરેલા વીડિયોમાં લખ્યું હતું કે, 'ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જ્યારે અમે હજારો કિમી યાત્રા કરી તો અમારા કેમ્પસાઇટ પર અમારું રૂટીન હતું કે અમે દરરોજ સાંજે માર્શલ આર્ટ્સની પ્રેક્ટિસ કરતા હતા. જે વસ્તુ ફિટ રહેવા માટે એક ખૂબ જ સામાન્ય સ્વરૂપે શરૂ કરવામાં આવી હતી તે ઝડપથી એક કોમ્યુનિટી એક્ટિવિટીમાં બદલાઇ ગઇ હતી. જેમાં એ શહેરોના સહયાત્રીઓ અને યુવા માર્શલ આર્ટ્સ છાત્રોને એક સાથે લાવવામાં આવ્યા જ્યાં અમે રોકાયા હતા.'
યુવાનોને જેંટલ આર્ટની સુંદરતાથી પરિચિત કરાવવું હતું
વધુમાં તેમણે લખ્યું કે, 'અમારું ગોલ આ યુવાનોના દિમાગને 'જેંટલ આર્ટ'ની સુંદરતાથી પરિચિત કરાવવું હતું. ધ્યાન, જુજિત્સુ, એકિડો અને અહિંસક સંઘર્ષ સમાધાન ટેક્નિકોનો મેળ હતો. અમારું ઉદ્દેશ્ય તેમનામાં હિંસાને નમ્રતામાં બદલવાનું, અધિક દયાળુ અને સુરક્ષિત સમાજ બનાવવા ટૂલ્સ આપવાનું હતું. આ નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે હું તમારા સૌની સાથે પોતાનો અનુભવ શેર કરવા માંગુ છું, આશા કરું છું કે તમારામાંથી કેટલાકને જેંટલ આર્ટની પ્રેક્ટિસ કરવા પ્રેરણા આપી શકું.' ત્યાર બાદ તેમણે છેલ્લા વાક્યમાં લખ્યું કે, 'ભારત ડોજો યાત્રા ટુંક સમયમાં આવી રહી છે.'
આ પણ વાંચોઃ 'ઓપરેશન ભેડિયા': વરુએ દોઢ મહિનામાં નવ લોકોનો ભોગ લીધો, શું કરી રહી છે વનવિભાગની 16 ટીમો?
શું હોય છે ડોજો?
હવે તમારા મનમાં પ્રશ્ન ઉભો થયો હશે કે, ડોજો એટલે શું? જેની વાત રાહુલ ગાંધીએ કરી છે. હકિકતમાં, ડોજો એક માર્શલ આર્ટના ટ્રેનિંગ હોલ અથવા સ્કૂલને કહેવામાં આવે છે. રાહુલ ગાંધીએ શેર કરેલા વીડિયોમાં પણ તેઓ બાળકો સાથે માર્શલ આર્ટ કરતા દેખાઇ આવે છે.