રાહુલ ગાંધીએ હવે બસની મુસાફરી કરી, ડ્રાઈવર-કંડક્ટરના દુઃખ-દર્દ જાણ્યાં, જાણો પછી શું કહ્યું?
Rahul Gandhi Traveling In DTC Bus: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC)ની બસમાં તેમની મુસાફરીનો વીડિયો શેર કર્યો છે. રાહુલ ગાંધીએ બસ કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય કર્મચારીની સમસ્યા સાંભળી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતુ કે, 'ડ્રાઈવર અને કંડક્ટર અનિશ્ચિતતાના અંધકારમાં જીવવા માટે મજબૂર છે. મુસાફરોની સુરક્ષા માટે સતત તહેનાત હોમગાર્ડ જવાનો છેલ્લા 6 મહિનાથી પગાર વગરના છે.'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'X'પર વીડિયો પોસ્ટ કર્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, 'થોડા દિવસો પહેલા દિલ્હીમાં બસની મુસાફરી કરી હતી. મેં દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) કર્મચારીઓ સાથે વાતચીત કરી અને તેમની દિનચર્યા અને સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. ન તો સામાજિક સુરક્ષા, ન સ્થિર આવક, ન કાયમી નોકરી. કોન્ટ્રાક્ટ મજૂરીએ એક મોટી જવાબદારી ઘટાડીને ફરજિયાત બનાવી દીધી છે. ડ્રાઈવર અને કંડક્ટરોને અનિશ્ચિતતાના અંધકારમાં જીવવા માટે મજબૂર કરવામાં આવે છે અને મુસાફરોની સુરક્ષા માટે હોમગાર્ડ સતત તહેનાત છેલ્લા છ મહિનાથી પગાર મળ્યો નથી.'
તેમણે લખ્યું કે, 'દેશભરના સરકારી કર્મચારીઓની જેમ ડીટીસી કર્મચારીઓ પણ ખાનગીકરણના સતત ભય હેઠળ જીવી રહ્યા છે. આ એ લોકો છે જે ભારતને ચલાવે છે. તેઓ દરરોજ લાખો મુસાફરોની મુસાફરીને સરળ બનાવે છે. પરંતુ તેમના સમર્પણના બદલામાં, તેમને અન્યાય સિવાય કંઈ મળ્યું નથી. માંગણીઓ સ્પષ્ટ છે - સમાન કામ, સમાન વેતન, સંપૂર્ણ ન્યાય'
આ પણ વાંચો: ડીઝલ કાર બનાવવાનું બંધ કરો નહીંતર એટલો ટેક્સ લગાડીશું કે...: નીતિન ગડકરીએ કંપનીઓને કેમ આપી ચેતવણી?
ડીટીસીના કર્માચારીએ પોતાની વ્યથા જણાવી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે વાત કરતી વખતે ડીટીસીના કર્માચારીએ જણાવ્યું હતું કે, 'અમને રોજના લગભગ 816 રૂપિયા મળે છે. આમાં પીએફ સહિત અન્ય કપાત છે. મહિના દરમિયાન અમને આરામ મળતો નથી. તહેવારોમાં પણ રજા મળતી નથી. અમે કોઈ રજા લઈએ તો પૈસા કપાઈ જાય છે.'
બસના ડ્રાઈવરે જણાવ્યું હતું કે, 'અમારો પગાર કિલોમીટર પ્રમાણે નક્કી થાય છે. 8 કલાક કામ કરવું પડે છે. તે એક કે બે કલાક વધુ હોઈ શકે છે.'
રાહુલે ગાંધી પૂછ્યું કે અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ? તેના પર ડીટીસીના કર્મચારીએ જણાવ્યું કે, 'અમને 5 મહિનાથી પગાર નથી મળી રહ્યો. ઘરનું ભાડું કેવી રીતે ચૂકવવું અને પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું? બાળકો અભ્યાસ કરી શકતા નથી. બસ પણ યોગ્ય રીતે દોડતી નથી. રાજ્ય સરકાર કેન્દ્રનું કહે છે અને કેન્દ્ર સરકાર તેને રાજ્યનો મુદ્દો ગણાવીને બહાનું કાઢે છે. ફંડ ન આપવાના બહાના આપે છે. હવે અમને વધુ બે મહિના રાહ જોવાનું કહેવામાં આવ્યું છે. અમારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે અને હવે નવી ભરતી થવા જઈ રહી છે, તેમની સાથે પણ આવો વ્યવહાર કરવામાં આવશે.'