રાહુલ ગાંધીએ પોતાની માતા સોનિયા ગાંધી સાથેનો ફોટો શેર કરી ભાવુક પોસ્ટ લખી
નવી દિલ્હી, તા. 24 ડિસેમ્બર 2022 શનિવાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે દેશની રાજધાની દિલ્હીમાં દાખલ થઈ ચૂકી છે. રાહુલ ગાંધીએ યાત્રાના દિલ્હીમાં દાખલ થયા પહેલા ભાજપ પર નિશાન સાધ્યુ. બીજી તરફ દિલ્હીમાં પ્રવેશ બાદ પોતાની માતા સોનિયા ગાંધી સાથે તસવીર ટ્વીટ કરી ઈમોશનલ પોસ્ટ લખી.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રાએ શનિવારે રાજધાની દિલ્હીમાં પ્રવેશ કર્યો. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી તો સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ આ યાત્રામાં જોડાયા.
રાહુલ ગાંધીએ પોતાની માતા સોનિયા ગાંધી સાથેની એક તસવીર ટ્વીટ કરી. રાહુલ ગાંધી તરફથી ટ્વીટ કરવામાં આવેલી તસવીરમાં માતા-પુત્રનો પ્રેમ વ્યક્ત થઈ રહ્યો છે. સોનિયા ગાંધી તસવીરમાં માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીએ માતા સાથેની તસવીર શેર કરતા ટ્વીટર પર એક ભાવુક સંદેશ લખ્યો.
રાહુલ ગાંધીએ પોતાની માતા સાથેનો ફોટો શેર કરતા લખ્યુ કે જે પ્રેમ આમની પાસેથી મળ્યો છે, તે દેશમાં વહેંચી રહ્યો છુ. રાહુલ ગાંધીની વધુ એક તસવીર સામે આવી છે જેમાં તેઓ પોતાની માતા સોનિયા ગાંધીને ગળે મળતા જોવા મળી રહ્યા છે. માતા-પુત્રની મુલાકાતની આ ભાવુક તસવીર સામે આવી છે. કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી સાથે વધુ એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધી સાથે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સાથે દિલ્હીના માર્ગ પર અમુક સમય સુધી ચાલ્યા હતા.