‘તો શું અંબાણી-અદાણીને A1 અને A2 કહું...’ સ્પીકરે વાંધો ઉઠાવતા રાહુલ ગાંધીનો જવાબ
Rahul Gandhi In Loksabha : લોકસભામાં આજે બજેટ ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આક્ષેપ કરતા ભારે હોબાળો થયો છે. આ ઉપરાંત તેમણે અંબાણી અને અદાણીનો ઉલ્લેખ કરતાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ વાંધો ઉઠાવ્યો છે.
અધ્યક્ષ ઓમ બિરલા અને રાહુલ ગાંધીએ શું કહ્યું ?
રાહુલે ગૃહમાં કહ્યું કે, ‘બજેટમાં ખેડૂતો અને મધ્યમ વર્ગ માટે કાંઈ પણ નથી. આ લોકો માત્ર અંબાણી અને અદાણી સાચવી રહ્યા છે.’ તો અધ્યક્ષે કહ્યું કે, ‘તમે તેમના પર ટિપ્પણી ન કરી શકો, કારણ કે તેઓ ગૃહના સભ્ય નથી.’
ત્યારબાદ રાહુલે કહ્યું કે, ‘શું હું તે લોકોને 3, 4 અથવા A1 અને A2 કહી શકું છું. દેશના બિઝનેસ પર આ બંનેનો હોલ્ડ છે. આપણે તેમના વિશે બોલવું તો પડશે જ, આપણે ચુપ ન રહી શકીએ. તમે (અધ્યક્ષ) ઈચ્છો તો, તેમના (અદાણી-અંબાણી) વિશે સંબોધન કરવા માટે અલગ વ્યવસ્થા આપી શકો છો, પરંતુ અમને ચૂપ ન કરી શકો.’
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ અંબાણી-અદાણીનું નામ લેતાં હોબાળો, રિજિજુએ કહ્યું- તમને સંસદના નિયમ ખબર નથી
રાહુલે એક સાથે છ લોકો પર સાધ્યું નિશાન
રાહુલ આજે ફરી આક્રમક અંદાજમાં દેખાયા હતા. તેમણે ફરી સરકારને ઘેરી હતી. અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને મારવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ‘અભિમન્યુ સાથે કરાયું હતું એવું જ આજના સમયમાં ભારતના લોકો સાથે કરવામાં આવી રહ્યું છે. આ સરકારે બજેટમાં મધ્યમ વર્ગની છાતી અને પીઠમાં ખંજર ભોંક્યું છે. ચક્રવ્યૂહનું એક સ્વરૂપ હોય છે, પદ્મવ્યૂહ જે લોટસવ્યૂમાં હોય છે જેને મોદીજી છાતી પર લગાવીને ફરે છે. આ વ્યૂહને મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજિત ડોભાલ, અંબાણી અને અદાણી કન્ટ્રોલ કરે છે. 21મી સદીમાં આ નવો ચક્રવ્યૂહ રચાયો છે.’
દેશમાં ફક્ત બે લોકો અર્થતંત્ર સંભાળી રહ્યા છે : રાહુલ
દેશમાં ફક્ત બે લોકો અર્થતંત્ર સંભાળી રહ્યા છે એમ કહીને રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે ‘બજેટમાં યુવાઓ માટે તમે શું કર્યું? તેનાથી શું એક પણ યુવાને રોજગારી મળશે? તમારો જે ઈન્ટર્નશિપ પ્રોગ્રામ છે તે ફક્ત એક મજાક છે કેમ કે તમે જ કહ્યું છે કે ઈન્ટર્નશિપ દેશની ફક્ત ટોપ 500 કંપનીઓમાં જ થશે. તમે પહેલા યુવાઓના પગ ભાંગી નાખ્યા અને પછી તમે પાટાપિંડી કરવાના પ્રયાસ કરી રહ્યા છો.’
આ પણ વાંચો : હું ચેલેન્જ સાથે કહું છું કે હવે મારી સ્પિચ વખતે PM મોદી ગૃહમાં નહીં દેખાયઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતાએ પેપર લીકનો પણ મુદ્દો ઉઠાવ્યો
આ દરમિયાન તેમણે પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ‘યુવાઓને તમે એક તરફ પેપરલીક, બીજી તરફ બેરોજગારીના ચક્રવ્યૂહમાં ફસાવ્યા. 10 વર્ષમાં 70 વખત પેપર લીક થયા છે. પેપર લીક અંગે બજેટમાં એક શબ્દ ઉચ્ચાર્યો નથી. એજ્યુકેશન બજેટમાં જે પૈસા આપવાના હતા તે પણ ન આપ્યા. બીજી બાજુ પહેલીવાર તમે સૈન્યના જવાનોને અગ્નિવીરના ચક્રવ્યૂહમાં ફસાવ્યા. અગ્નિવીરો માટે પણ એક રૂપિયો આપ્યો નથી.’